હેલીપેડ પાસે ટપોરી ગેંગનો આતંક: યુવક પર શ્વાન છોડી બેરહમીથી માર માર્યો, સ્વિફ્ટ કાર સળગાવી ખાખ કરી દીધી

ગરવી તાકાત ઃ16-10-2026
કલોલ તાલુકાના બોરીસણા પંચવટી વિસ્તારમાં આવેલા હેલીપેડ નજીક ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. ગરબાના પાસ મેળવવા નીકળેલા બે મિત્રો પર અસામાજિક તત્વોની એક ટોળકીએ આતંક મચાવી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકો પાછળ પાલતુ શ્વાન છોડી, કૂતરાના પટ્ટા તેમજ લાકડાના ધોકા વડે ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેમની સ્વિફ્ટ કારને આગ ચાંપી સળગાવી દેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બોરીસણા રોડ પર આવેલી વૈજનાથ સોસાયટીમાં રહેતા અને ચામુંડા હેન્ડીક્રાફ્ટના મંદિરો બનાવવાનો વ્યવસાય કરતા ૨૦ વર્ષીય આસીક દીપકભાઈ ચૌહાણ ગત રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે પોતાના મિત્ર ક્રુપેશ ભરતભાઈ પ્રજાપતિ સાથે સ્વિફ્ટ કાર લઈને નીકળ્યા હતા. ગુરુકુળ કોલેજ બહાર ચોકડી પર પોતાના ભાઈ મિતેશ પાસેથી પાસ મેળવ્યા બાદ, ક્રુપેશ માટે અર્થ એલીગન્સ પાછળ આવેલા હેલીપેડ ખાતે કિશન તિવારી પાસેથી પાર્ટી પ્લોટના પાસ લેવા બંને જણા જઈ રહ્યા હતા.
તે દરમિયાન હેલીપેડ તરફ જતા કાચા રસ્તા પર અગાઉથી એક સિલ્વર રંગની સફારી ગાડી લઈને ઉભેલા કેટલાક અસામાજિક શખ્સોએ આસીકની કારને અધવચ્ચે રોકી હતી અને કારનો કાચ નીચે ઉતારવા કહ્યું હતું. કાચ નીચે ઉતારતાં જ શખ્સો અચાનક ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યા હતા. બંને મિત્રો નીચે ઉતરતાં જ હુમલાખોરોએ ક્રૂરતા આચરી પોતાની સાથેનો પાલતુ શ્વાન આસીક તરફ છોડી દીધો હતો. શ્વાન કરડવા દોડતાં આસીકે જીવ બચાવવા દોટ મૂકી હતી.
ત્યારબાદ હેલીપેડ પર એકલા પડી ગયેલા ક્રુપેશને ઘેરી લઈ ટોળકીએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ આસીકે ૧૧૨ નંબર પર જાણ કરતાં કલોલ તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- અદાવત રાખી હેલીપેડ પર જ સ્વિફ્ટ કારને આગ ચાંપી ભસ્મીભૂત કરી દીધી
હુમલાખોરોનો આક્રોશ એટલેથી અટક્યો નહોતો. બંને યુવકો જીવ બચાવીને ભાગી જતાં આરોપીઓએ અદાવત રાખી હેલીપેડના મેદાનમાં પડેલી લાખો રૂપિયાની કિંમતની સ્વિફ્ટ કારને દીવાસળી ચાંપી સળગાવી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈને બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવ અંગે કંટ્રોલ રૂમમાં કોલ અપાતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી.