સવા વર્ષ જૂના બહુચર્ચિત મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી સહિત બે શખ્સોને ૧૦ અને ૧૨ વર્ષની સખત કેદ
ગુનાહિત ષડયંત્ર અને નશીલા દ્રવ્યોની હેરાફેરી સાબિત થતાં રસીદખાનને ૧૨ વર્ષ તેમજ જાવેદખાનને ૧૦ વર્ષની જેલ; પુરાવાના અભાવે અન્ય બે આરોપીઓ નિર્દોષ જાહેર

ગરવી તાકાત
મહેસાણા:
મહેસાણા જિલ્લામાં સવા વર્ષ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપી પાડવામાં આવેલા કરોડોના ચર્ચિત મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં મહેસાણાની સ્પેશિયલ NDPS કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ડ્રગ્સ માફિયાઓ સામે કડક વલણ અપનાવતા મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને ગુનાહિત કાવતરું ઘડવા અને ઘાતક નશીલા પદાર્થની હેરાફેરી કરવા બદલ કસૂરવાર ઠેરવી અનુક્રમે ૧૨ અને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત અનુસાર, સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની અને ધારદાર કાનૂની દલીલોને ધ્યાને રાખીને સ્પેશિયલ NDPS અદાલતે મુખ્ય આરોપી ૫૫ વર્ષીય રસીદખાન સમશેરખાન લુહાણીને ૧૨ વર્ષની સખત કેદ તેમજ તેના સાગરીત ૩૫ વર્ષીય જાવેદખાન અહેમદખાન કુરેશીને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સામે પૂરતા પુરાવા ન મળતાં અદાલતે તેમને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. કોર્ટના આ આકરા ફેંસલાથી ઉત્તર ગુજરાતના ડ્રગ્સ પેડલરો અને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજસ્થાનથી મોઢેરા ચોકડીએ ડ્રગ્સ મંગાવી વેચવાનો હતો કારસો]
પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, મુખ્ય આરોપી રસીદખાન આ કાળા કારોબારનું મુખ્ય નેટવર્ક સંભાળતો હતો. તેણે રાજસ્થાનના એક ડ્રગ સપ્લાયર પાસેથી મોઢેરા ચોકડી ખાતે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મેળવ્યો હતો. આ જથ્થો મહેસાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક વેચાણ કરીને તગડો આર્થિક નફો કમાવવાનો તેમનો મનસૂબો હતો. આરોપી રસીદખાન અગાઉ પણ પાટણ જિલ્લામાં બ્રાઉન સુગરના ગેરકાયદે વેપારમાં પકડાઈ ચૂક્યો હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
સરકારી વકીલની ધારદાર દલીલો સામે ડ્રગ પેડલરોનો બચાવ નિષ્ફળ
સ્પેશિયલ NDPS કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી પક્ષે નશાના દૂષણથી યુવાધન બરબાદ થતું હોવાની ગંભીર બાબત રજૂ કરી હતી. SMC દ્વારા કરવામાં આવેલી પંચનામાની કાર્યવાહી, એફએસએલ રિપોર્ટ અને જપ્ત કરાયેલ મુદ્દામાલના મજબૂત પુરાવાઓ અદાલત સમક્ષ સાબિત કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે ડ્રગ્સની હેરાફેરી સમાજ વિરોધી ગંભીર ગુનો હોવાનું નોંધી આકરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.