બેચરાજીમાં SMC ત્રાટકી: ખોડિયાર માતાજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સપાટો

October 14, 2026

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં રુ.4.78 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 જુગારીઓ ઝડપાયા, 7 ફરાર આરોપીઓ સામે ગુનો દાખલ

 

 

ગરવી તાકાત 14-10-2026

મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે લાલ આંખ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. બહુચરાજીમાં આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં મોટા પાયે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડી.એ. તુવર અને તેમની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે કોઈને શંકા ન જાય તે રીતે વ્યૂહાત્મક રીતે અચાનક દરોડો પાડતાં જ સ્થળ પર ગંજીપાના વડે જુગાર રમી રહેલા અસામાજિક તત્વોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી નાસવા જતાં ત્રણ શખ્સોને સફળતાપૂર્વક ઝડપી લીધા હતા, જ્યારે અન્ય સાત જેટલા જુગારીઓ અંધારા કે આસપાસની જગ્યાઓનો લાભ લઈને પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી ગંજીપાનાનો જુગાર રમતાં રંગેહાથ ઝડપાયેલા ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં મધુવન સોસાયટી, શંખલપુર રોડ, બેચરાજી ખાતે રહેતા પ્રકાશભાઈ મણીલાલ પટેલ, કાશીરવપુરા, બેચરાજીના કિરણ ઉર્ફે કિરીટ શૈલેષભાઈ ભટ્ટ તેમજ કાલરી ગામના દરબારવાસમાં રહેતા લાલાજી જીવણજી સોલંકીનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩,૧૮,૦૧૦, જુગારના અડ્ડા પરથી મળી આવેલા ૬ નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું. આમ, પોલીસે રોકડ અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા ૪,૭૮,૦૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ, રેડ દરમિયાન નાસી છૂટેલા અને હાલ વોન્ટેડ જાહેર કરાયેલા સાત આરોપીઓમાં બેચર ગામના રમેશ ધારાભાઈ ભરવાડ, લાલાજી ખોડાજી ઠાકોર, લાલો પટેલ, પેઈન્ટર (રહે. બેચરાજી) તેમજ ઘટનાસ્થળેથી મળેલા ઓરેન્જ રંગના વિવો ફોન, મરૂન કલરના વિવો ફોન અને બ્લુ કલરના ઓપ્પો ફોનના અજાણ્યા ધારકો સામેલ છે.

આ સમગ્ર ગેરકાયદે જુગારધામ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા અને ફરાર થયેલા મળી કુલ દસ આરોપીઓ સામે બહુચરાજી પોલીસ મથકે ગુજરાત જુગારધારાની કલમ ૧૨ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાની તપાસ એજન્સી દ્વારા પાડવામાં આવેલા આ સપાટાથી સ્થાનિક જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા નાસી છૂટેલા સાતેય આરોપીઓની ભાળ મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0