મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા: અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરી ૩૪ સેમ્પલ લેવાયા, બે પેઢી સામે કડક કાર્યવાહી

ગરવી તાકાત ઃ 14-10-2026
મહેસાણા જિલ્લામાં પવિત્ર નવરાત્રી પર્વના તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર વી. જે. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગની અલગ-અલગ તપાસ ટીમો દ્વારા ૧૨ અને ૧૩ ઓક્ટોબર દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, નાસ્તા તેમજ પ્રસાદીનું વેચાણ કરતા એકમો પર સઘન આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ અંતર્ગત ‘ફુડ સેફટી ઑન વ્હિલ્સ’ વાન મારફતે ૨૦ જેટલા વિવિધ સ્થળોએ સ્થળ પર જ ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર જ અખાદ્ય જણાયેલા ૫ લીટર દાઝેલા ઓઈલ, ૨.૫ કિલો બગડેલી ગ્રીન ચટણી, ૫ લીટર પાણીપુરીના પાણી તેમજ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા અને ખાદ્યપદાર્થોના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા ૧ કિલો ન્યુઝ પેપરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાનમાં સ્થળ પર જ તેલની ગુણવત્તા ચકાસવા માટે ટી.પી.સી. ટેસ્ટ હાથ ધરીને વેપારીઓને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફુડ સેફટી ઓફિસરોની વિવિધ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલા ૧૮ જેટલા પ્રતિષ્ઠિત એકમો, નાસ્તા-પ્રસાદીના મંડપો અને સ્ટોલોની ઝીણવટભરી તપાસ કરીને પૃથક્કરણ અર્થે કુલ ૩૪ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. આ ચકાસણી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં બે પેઢીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં રાધનપુર રોડ પર આવેલા જય ખોડીયાર સ્વીટમાર્ટમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં તેને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારો કરવામાં નિષ્ફળ રહેશે તો એકમનો લાયસન્સ રદ કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. વધુમાં આ સ્વીટમાર્ટમાંથી ૩ કિલો કોપરા લાડુ, ૨ કિલો ફુલવડી અને ૧ કિલો કઢીના અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરાવાયો હતો. આ ઉપરાંત પાંચોટ ખાતે આવેલી સોનલ બેકરી સ્વીટ એન્ડ નમકીનમાંથી પણ ગુણવત્તા વગરના ૮ કિલો ખરાબ વડી ફરસાણના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તંત્રની આ કડક અને અણધારી કાર્યવાહીથી તહેવારોમાં નફાખોરી કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.