ખેતરોમાં હાઇટેન્શન વીજપોલ ઊભા કરવા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ‘અમારી જમીન અમારો હક્ક’ના નારા સાથે લડતના મંડાણ
પોલીસ કાફલા સાથે રાતોરાત બળજબરીથી થાંભલા નાખી દેવાયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને કોન્ટ્રાક્ટરને કાળી યાદીમાં મૂકવાની ઉગ્ર માંગ ઉઠાવી

ગરવી તાકાત
મહેસાણા નજીક આવેલા સુખપુરડા ખાતે રાષ્ટ્રીય રાજમાર્ગ પર નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન હાઇટેન્શન વીજ લાઇન ખસેડવા મુદ્દે સ્થાનિક ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની કિંમતી જમીનો બચાવવા માટે ‘અમારી જમીન અમારો હક્ક’ના ગગનભેદી નારા સાથે સ્થાનિક ખેડૂતો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ એક વિશાળ જાહેર બેઠક યોજીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોના આ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો સાથે અન્યાય સહન નહીં કરવાની જાહેરાત કરી હતી.
સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂત અમરતજી તેમજ અન્ય ખાતેદારોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક મંજૂરી વિના ખેતરોમાં હાઇટેન્શન લાઇનના થાંભલા ઊભા કરવાનું કામ બળજબરીપૂર્વક ચલાવાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉ સ્પષ્ટ બાંયધરી આપવામાં આવી હતી કે આ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી નહીં પસાર થાય. તેમ છતાં, વચનભંગ કરીને તાજેતરમાં મોટી સંખ્યામાં જેસીબી મશીનો અને પોલીસ કાફલાને સાથે રાખી તંત્ર રાતોરાત ખેતરોમાં ધસી આવ્યું હતું. આ દરમિયાન વિરોધ કરી રહેલા ગરીબ ખેડૂત પરિવારજનો સાથે ધક્કામુક્કી કરીને રાતોરાત ઊંડા ખાડા ખોદી થાંભલા નાખી દેવાયા હોવાનો ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.
લગભગ ૩૫ થી ૪૦ જેટલા સંયુક્ત હિસ્સેદારો ધરાવતી આ અત્યંત કિંમતી જમીન પરથી હાઇટેન્શન લાઇન પસાર થવાને કારણે ખેતી અને પશુપાલન પર નભતા પરિવારોની આજીવિકા જોખમાઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે માથા પરથી પસાર થતી જોખમી વીજ લાઇનને કારણે જમીનનું મૂલ્ય સાવ શૂન્ય થઈ જશે અને ભવિષ્યમાં કોઈ વેપારી કે રોકાણકાર આ જમીન ખરીદવા પણ તૈયાર નહીં થાય. અસરગ્રસ્તોએ એકસૂરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોતાની સહમતી વિના હાથ ધરાયેલી આ જોહુકમીભરી કામગીરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને જમીનમાંથી તમામ થાંભલા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી.
બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની ઘોર બેદરકારી અને આયોજનના અભાવ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિવાલા બાયપાસ પર ઓવરબ્રિજનું નિર્માણ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ સંબંધિત અધિકારીઓએ શરૂઆતમાં યોગ્ય તકનીકી સર્વે કર્યા વગર જ આડેધડ કામગીરી શરૂ કરાવી દીધી હતી. અધિકારીઓની આ ગંભીર બેદરકારીને કારણે આજે અધવચ્ચે હાઇટેન્શન લાઇન ખસેડવાની નોબત આવી છે અને આ વહીવટી ભૂલનું પરિણામ નિર્દોષ તથા ગરીબ ખેડૂતોએ ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતો સાથે કોઈ યોગ્ય સંવાદ સાધ્યા વિના કે જંત્રી મુજબનું વાજબી વળતર નક્કી કર્યા વિના અદાણી ટ્રાન્સમિશન પાવર દ્વારા પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરી દાદાગીરીથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે લોકશાહી ઢબે અસ્વીકાર્ય છે.
ભરતજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, પીડિત ખેડૂતોને સંપૂર્ણ ન્યાય અપાવવા માટે તમામ સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે અને જ્યાં સુધી ખેતરોમાંથી આ જોખમી વીજપોલ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ઉગ્ર બનાવી ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ તેમણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે નેશનલ હાઇવે ઓથોરિટીના તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે કાયદેસર તપાસ હાથ ધરવામાં આવે તેમજ આ બ્રિજનું બેદરકારીભર્યું કામ કરનાર કોન્ટ્રાક્ટરને કાળી યાદીમાં મૂકીને દાખલારૂપ પગલાં ભરવામાં આવે.