
ગરવી તાકાત ઃ 12-10-2026
ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની ખાલી પડેલી એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવતા ૭૩.૧૫ ટકા જેટલું બમ્પર મતદાન નોંધાયું છે. કોંગ્રેસના નગરસેવક છગનભાઈ રામજીભાઈ ચૌધરીના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી, જેના પગલે યોજાયેલી આ પેટાચૂંટણીમાં મુખ્ય ત્રણ રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભરી સ્પર્ધા જોવા મળી રહી છે. વોર્ડના કુલ ૩,૫૧૨ મતદારોમાંથી ૨,૫૮૪ મતદારોએ પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. આ સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે.
ચૂંટણીના દિવસે સવારથી બપોરે ૧ વાગ્યા સુધી મતદાન મથકો પર સામાન્ય નીરસતા જોવા મળી હતી, પરંતુ બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી ગઈ હતી. સાંજ પડતાં સુધીમાં મતદાનનો આંકડો ૭૩.૧૫ ટકા પર પહોંચી ગયો હતો. ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના સમર્થકોએ સાંજ સુધી એક-એક મત મેળવવા માટે તનતોડ મહેનત કરી હતી. બપોરના સમયે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર અને ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ મતદાન મથકોની મુલાકાત લઈ કાર્યકરો અને ઉમેદવારનો ઉત્સાહ વધાર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ ત્રણેય પક્ષોએ પોતપોતાની જીતના મક્કમ દાવા કર્યા છે, જોકે જનતાનો સાચો ચુકાદો ૧૩ ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ જ સામે આવશે.
આ પેટાચૂંટણીમાં રાજકીય સમીકરણો પણ અત્યંત રસપ્રદ બન્યા છે. ભાજપ તરફથી મેદાને ઉતરેલા શુભમ પટેલ દોઢ વર્ષ પહેલાં પણ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ વહીવટી-તકનીકી કારણોસર તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. સામા પક્ષે કોંગ્રેસ તરફથી નરેન્દ્ર ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના કેતુલ દેસાઈ વોર્ડમાં વિકાસ કાર્યો ન થયા હોવાના મુદ્દે શરૂઆતમાં અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીમાં હતા, પરંતુ અંતિમ ક્ષણોમાં આપનો ખેસ ધારણ કરીને મેદાનમાં ઉતરતા મુકાબલો ત્રિપાંખીયો અને હાઈ-પ્રોફાઈલ બની ગયો છે. હવે ૧૩ ઓક્ટોબરે મતપેટીઓ ખુલતા જ સ્પષ્ટ થશે કે ખેરાલુની જનતા કોના શિરે વિજયનો તાજ પહેરાવે છે.