ઇથોપિયામાં મહેસાણા અને ગાંધીનગરના ૩ યુવક-યુવતીઓનું અપહરણ, ૧ કરોડની ખંડણી મંગાઈ
ગરવી તાકાત ઃ29-9-2026
કેનેડા પહોંચાડવાના બહાને અબુધાબીથી આફ્રિકા ભેગા કર્યા, ૬૦ લાખ ચૂકવ્યા છતાં વધુ નાણાંની ઉઘરાણી
સંતાનોને હેમખેમ પરત લાવવા આક્રંદ કરતા પરિવારે લાંઘણજ પોલીસ મથકે જાણવાજોગ નોંધાવી, કડીના વંશ નામના યુવકને નાણાં ચૂકવી મુક્ત કરાવાયો હોવાનો ઘટસ્ફોટ
ઉત્તર ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ જવાની ઘેલછામાં વધુ ત્રણ પરિવારો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના એક જ કુટુંબના ત્રણ સભ્યોને અમેરિકા મોકલવાના નામે ઇથોપિયામાં બંધક બનાવી લેવામાં આવ્યા છે અને પરિવારજનો પાસેથી એક કરોડ રૂપિયાની તોતિંગ ખંડણીની માંગણી કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મહેસાણાના વડસ્મા ગામનો ૨૩ વર્ષીય યુવક ઋત્વિક શૈલેષભાઇ જનસારી, ગોઝારિયા ગામની ૩૦ વર્ષીય યુવતી મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરી નામની યુવતી કૌટુંબિક સગાં થાય છે. આ ત્રણેય જણા ૨૦મી સપ્ટેમ્બરે કડી તાલુકાના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશ પંચાલ મારફતે ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું અપહરણ થઈ જતાં છેલ્લા ચાર દિવસથી પરિવારજનો ભારે ચિંતા અને ફફડાટમાં જીવી રહ્યા છે.
સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેય યુવક-યુવતીઓને રાજસ્થાનના જયપુર ખાતેથી એતિહાદ એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા પહેલા અબુધાબી મોકલ્યા હતા. ત્યાંથી તેમને પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા ખાતે મોકલી દેવાયા હતા. આ ત્રણેય મુસાફરો એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા જીએસએફ કેમ્પ ખાતે રોકાયા હતા અને ૧૯ સપ્ટેમ્બરથી ૧૯ ઓક્ટોબર સુધીના એક મહિનાના ઈ-વિઝા લીધા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક એજન્ટે પરિવારજનો પાસેથી ટુકડે-ટુકડે ક્યુઆર કોડ સ્કેન કરાવીને ૭૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ નાણાં મેળવ્યા બાદ એજન્ટે પરિવારને એવી ખાતરી આપી હતી કે ત્રણેય જણા હેમખેમ કેનેડા પહોંચી ગયા છે અને હવે તેઓ કેનેડાથી અમેરિકા જવા માટે રવાના થઈ રહ્યા છે. જોકે આ વાતો વચ્ચે અચાનક જ ત્રણેય મુસાફરોનો પોતાના પરિવાર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો હતો.
સંપર્ક તૂટ્યા બાદ પરિવારજનો પર ચિંતાના વાદળો ઘેરાયા હતા અને ત્રણ દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ‘ખાન’ નામના શખ્સે પરિવારજનોને ફોન કરીને ત્રણેયનું અપહરણ થઈ ગયું હોવાની જાણ કરી હતી અને તેમને હેમખેમ મુક્ત કરવાના બદલામાં ૧ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. સમગ્ર ભાંડો ફૂટતાં સ્થાનિક એજન્ટ અલ્પેશ પંચાલ પણ સામે આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના આગળના મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને મોકલ્યા હતા, પરંતુ હવે મુખ્ય માણસ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી. એજન્ટના જણાવ્યા મુજબ ઇથોપિયામાં અપહરણકારોને ૬૦ લાખ રૂપિયા આપી દેવાયા હોવા છતાં તેઓ વધુ ૧ કરોડ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને કોણે આ અપહરણ કર્યું છે તેની સ્પષ્ટ વિગતો હજુ સુધી સામે આવી શકી નથી.
આ સમગ્ર મામલાની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે અપહ્યત ઋત્વિકના કાકા રાકેશભાઈએ જણાવ્યું કે આ જ રૂટ પર કડીના વંશ નામના અન્ય એક યુવકનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. વંશને અમારા ત્રણેય છોકરાઓના અપહરણના બે દિવસ પહેલાં બંધક બનાવાયો હતો, પરંતુ તેના પરિવારે અપહરણકારોને નાણાં ચૂકવી દેતાં તેને તાજેતરમાં મુક્ત કરવામાં આવ્યો હતો અને તે સુરક્ષિત રીતે કડી પરત ફર્યો હતો. વંશના પરત ફર્યા બાદ આ આખા ષડયંત્રની પુષ્ટિ થઈ હતી. બીજી તરફ ઋત્વિકના પિતા અને મમતાના માતા-પિતા રડતી આંખે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કરગરી રહ્યા છે કે ગમે તે ભોગે તેમના માસૂમ સંતાનોને સહીસલામત દેશમાં પાછા લાવવામાં આવે. આ મામલે મમતાના પિતા કિરીટભાઈ ચાવડાએ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણવાજોગ અરજી નોંધાવતાં પોલીસે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગેરકાયદે માનવ તસ્કરી અને અપહરણના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


