ગરવી તાકાત ઃ 14-9-2026
મહેસાણામાં મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયા પર ફિલ્મી ઢબે ફાયરિંગ કેસમાં હથિયારો અને ગાડીઓ કબજે: અત્યાર સુધીમાં કુલ ૧૧ શખ્સો જેલના સળિયા પાછળ
મહેસાણા શહેરમાં ગત ૩૦ ઓગસ્ટની રાત્રે પકવાન ડાઇનિંગ હોલ નજીક મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયા પર સ્કોર્પિયો કાર દ્વારા ત્રણ-ત્રણ જોરદાર ટક્કરો મારીને કરાયેલા બે રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસે આ સનસનાટીભર્યા ગુનાના મુખ્ય સૂત્રધાર જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા વિક્રમસિંહ સોલંકી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તમામના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર હુમલા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઝડપી પાડેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૧ પર પહોંચી ગઈ છે, જેના કારણે ગુનાહિત જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મુખ્ય આરોપી જોરાવરસિંહને અગાઉ નવઘણ નામના શખ્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન ફાયરિંગની ઘટના પણ બની હતી. આ જૂની અદાવતમાં જોરાવરસિંહને એવી પાકી શંકા હતી કે ભાવેશ દેસાઈ નવઘણને સાથ-સહકાર આપી રહ્યો છે. તેવામાં ભાવેશ ઝીલિયા પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને મહેસાણામાં ફરી રહ્યો હોવાની સચોટ બાતમી જોરાવરને તેના સાગરીતો પાસેથી મળી હતી. આ સાથે જ નવઘણ અને ભાવેશ બંને પકવાન પાસે ભેગા થયા હોવાની માહિતી મળતાં જોરાવરે બંનેને એકસાથે જાનથી પતાવી દેવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો. જોકે, હુમલા વખતે નવઘણ ભાવેશની ગાડીમાં ન હોવાથી તે બચી ગયો હતો. ઘટના સમયે જોરાવરસિંહ પોતે તેમજ કન્ટ્રોલ નામના શખ્સે ભાવેશ પર સીધું ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે ગોળી કારના કાચ પર અથડાઈને ફંટાઈ જતાં ભાવેશનો આબાદ બચાવ થયો હતો.
હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા અને કટોસણ ગામના ખરાબામાં ગુનામાં વપરાયેલી ગાડીઓ સંતાડી દીધી હતી તેમજ હથિયારો ઝાડીઓમાં ફેંકી દીધા હતા. પોલીસે બાતમીના આધારે મુખ્ય સૂત્રધાર જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા વિક્રમસિંહ સોલંકી ઉપરાંત સૂરજ ઉર્ફે સૂરજભા વિનોદભાઇ ઠાકોર, જીગ્નેશસિંહ ઉર્ફે જીગરસિંહ ઉર્ફે જીગુભા ઝાલા, હરદિપસિંહ ઉર્ફે યુવરાજસિંહ ઝાલા અને જયરાજસિંહ ઉર્ફે ચંપાભા ઝાલાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછના આધારે પોલીસે કટોસણ ગામની સીમમાં આવેલા ઝાડી-ઝાંખરા અને ગરનાળામાંથી રૂપિયા ૫૦ હજારની કિંમતની એક દેશી પિસ્તોલ તથા એક દેશી કટ્ટો કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ૨૦ લાખની કિંમતની બે સ્કોર્પિયો અને એક બલેનો કાર પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પાંચેય આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ આ ષડયંત્રમાં સામેલ અન્ય મદદગારો અને હથિયારોની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા તપાસ ચલાવી રહી છે.


