શક્તિપીઠ અંબાજીમાં ૪૦ લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ બનાવવાની તડામાર તૈયારી: ૧૦૦૦ ઘાણ સાથે શુદ્ધ પ્રસાદ નિર્માણ કાર્ય શરૂ
ગરવી તાકાત ઃ 14-9-2026

ગણેશ ચતુર્થીના પાવન અવસરે નારી શક્તિના હસ્તે શાસ્ત્રોક્ત હોમ-હવન સાથે શુભારંભ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા કડક ગુણવત્તા ચકાસણી
પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે આગામી ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશભરમાંથી અંદાજે ૩૫ લાખથી વધુ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શનાર્થે આવવાના હોવાથી ભાવિકોમાં માતાજીના પરમ પ્રિય એવા મોહનથાળ પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે. લાખો માઇભક્તોને શુદ્ધ, સાત્વિક અને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન હાથ ધરાયું છે. મેળાના સુચારૂ સંચાલન માટે તંત્ર દ્વારા ૨૭ જેટલી અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે.
મહામેળાના પ્રારંભ પૂર્વે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં ઊભા કરાયેલા વિશાળ અને અત્યાધુનિક ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારના વિઘ્ન વિના કાર્ય સંપન્ન થાય તે માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોમ-હવન કરવામાં આવ્યો હતો. આ વર્ષે પ્રસાદ નિર્માણનો શુભારંભ ‘નારી શક્તિ’ના હસ્તે કરાવીને વિશેષ પહેલ કરવામાં આવી હતી, જેમાં વન વિભાગના ડીએફઓ, પ્રાંત અધિકારીઓ સહિતની મહિલા વહીવટી અધિકારીઓ તેમજ અંબાજી નગરના મહિલા સફાઈ યોદ્ધાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે મહામેળા દરમિયાન અંદાજે ૪૦ લાખ મોહનથાળ પ્રસાદના પેકેટ તૈયાર કરવાનો વિશાળ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેના માટે સમગ્ર મેળા દરમિયાન કુલ ૧૦૦૦ જેટલા ઘાણ ઉતારવામાં આવશે. પ્રસાદની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે, જેમાં પ્રત્યેક ઘાણમાં ૧૦૦ કિલો ખાંડ, ૨૦૦ કિલો ચણાનો લોટ (બેસન), ૭૬.૫ કિલોથી વધુ શુદ્ધ દેશી ઘી અને ૨૦૦ ગ્રામ ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રસાદ લાંબા સમય સુધી સારો, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ટકી રહે તે માટે નિર્માણ પ્રક્રિયામાં દૂધનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી અને ઘીનો વિશેષ ઉપયોગ કરી તેની પવિત્રતા અને શુદ્ધતા અકબંધ રાખવામાં આવી રહી છે.
પ્રસાદની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી અને મંદિર વહીવટદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર સતત હાજર રહીને નિરીક્ષણ કરી રહ્યા છે. વધુમાં, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે ઘાણ અને તૈયાર થયેલા પ્રસાદના સેમ્પલ લઈને લેબોરેટરીમાં શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રસાદ નિર્માણ પરિસરમાં અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, જેથી પદયાત્રીઓ સુધી નિર્વિઘ્ને અને સલામત રીતે માતાજીનો પ્રસાદ પહોંચાડી શકાય.


