મહેસાણામાં કરોડોના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ: ૩૨ મ્યુલ એકાઉન્ટ ચલાવતી ગેંગના ૪ શખ્સો ઝડપાયા
ગરવી તાકાત ઃ મહેસાણા
તા.10-9-2026
જરૂરિયાતમંદોને નજીવા રૂપિયા આપી સિમકાર્ડ અને બેંક કિટ પડાવી લેતા હતા: દેશભરમાંથી ૮૩ ફરિયાદો, ખાતાઓમાં ૧૬.૮૧ કરોડથી વધુના આર્થિક વ્યવહારો સામે આવતા ખળભળાટ
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક અત્યંત સંગઠિત અને આંતરરાજ્ય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કરીને ૩૨ જેટલા બોગસ એટલે કે મ્યુલ બેંક ખાતાઓ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે આ રેકેટમાં સક્રિય રીતે સંડોવાયેલા મહેસાણાના માલગોડાઉન રોડ ખાતે રહેતા સુનીલજી સુરેશજી ઠાકોર, રાકેશજી પ્રધાનજી ઠાકોર, જીતેન્દ્ર કરસનભાઈ રાવલ તેમજ પીલુદરા ગામના જયેશ કૈલેશભાઈ સેનમા નામના ચાર શખ્સોને દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના લોકોને માત્ર ત્રણથી દસ હજાર રૂપિયા જેવી નજીવી રકમની લાલચ આપતી હતી અને તેમના ઓળખકાર્ડના આધારે તેમના નામે નવા સિમકાર્ડ કઢાવી લેતી હતી. ત્યારબાદ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સહિત વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં ખાતા ખોલાવીને પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને ઓનલાઇન કિટ પોતાની પાસે રાખી લેતી હતી.
આ શાતિર આરોપીઓ જરૂરિયાતમંદ લોકોના આ મ્યુલ એકાઉન્ટ્સ અને એક્ટિવેટેડ સિમકાર્ડ્સનો ઉપયોગ દેશભરમાં ચાલતા સાયબર ફ્રોડ, ગેરકાયદે ગેમિંગ, ઓનલાઇન સટ્ટાબાજી તેમજ કરોડો રૂપિયાના હવાલાના નાણાં સગેવગે કરવા માટે ટૂલ તરીકે કરતા હતા. ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર તપાસ હાથ ધરવામાં આવતા આ તમામ ૩૨ બેંક ખાતાઓ સામે દેશભરમાંથી કુલ ૮૩ જેટલી ગંભીર ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં આ ખાતાઓની બેંક સ્ટેટમેન્ટની ઝીણવટભરી ચકાસણી કરતા તેમાં અત્યાર સુધીમાં અધધ કહી શકાય તેવી રૂ. ૧૬,૮૧,૧૩,૭૩૫.૪૮ ની રકમ જમા થઈ ચૂકી છે અને તેમાંથી રૂ. ૧૬,૭૩,૯૨,૩૭૮.૩૦ ની રકમ ઉપાડી લઈને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ મામલે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ઝડપાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૭(૨), ૩૧૮(૪) અને ૬૧ હેઠળ ગુનો નોંધીને વધુ રિમાન્ડ મેળવી અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


