વિસનગરમાં ITI ફાટક ઓવરબ્રિજ નજીકથી પદયાત્રીઓ અને સંઘો માટે હંગામી માર્ગ શરૂ કરાશે

September 10, 2026

ગરવી તાકાત ઃ વિસનગર
તા.10-9-2026

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબાના દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓ તેમજ સેવાભાવી સંઘો માટે વિસનગર વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા તરફથી મોટી સંખ્યામાં નીકળતા પદયાત્રી સંઘો વિસનગર થઈને પસાર થતા હોય છે, ત્યારે શહેરમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ન સર્જાય અને પદયાત્રીઓને સરળતા રહે તે હેતુથી ITI ફાટક પાસે નિર્માણધીન ઓવરબ્રિજ નજીકથી હંગામી રસ્તો શરૂ કરવા માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

સામાન્ય રીતે દર વર્ષે ભાદરવા સુદ સાતમથી બારસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અને રથ મહેસાણા ચોકડીથી ITI ફાટક થઈને સીધા કાંસા ચોકડી તરફ જતા હોય છે. જોકે, હાલમાં ITI ચોકડી ખાતે ફોરલેન ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જો તમામ સંઘો, રથ અને વાહનોને શહેરના આંતરિક સાંકડા માર્ગો પરથી પસાર કરવામાં આવે તો શહેરમાં કલાકો સુધી ટ્રાફિક ચક્કાજામ સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. આ સંભવિત સમસ્યાને ગંભીરતાથી લઈને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.

પદયાત્રીઓની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને પ્રાંત અધિકારી વિકાસ રાતડા, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ આશાબેન પટેલ તેમજ પોલીસ વિભાગ, બ્રિજના કોન્ટ્રાક્ટર અને જી.યુ.ડી.સી. (GUDC) ના અધિકારીઓએ સંયુક્ત રીતે સ્થળ મુલાકાત લઈને સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તમામ પક્ષો વચ્ચે વિચાર-વિમર્શ બાદ પદયાત્રીઓ માટે નિર્માણધીન સાઈટ પાસેથી સલામત હંગામી માર્ગ કાઢવા પર સહમતી સધાઈ હતી. હાલમાં સામાન્ય વાહનો માટે ડાયવર્ઝન અમલી હોવાથી, આ હંગામી રસ્તો શરૂ કરવા બાબતે પ્રાંત અધિકારી દ્વારા અધિક કલેક્ટરને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવશે. વહીવટી મંજૂરી મળતાની સાથે જ ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી આ માર્ગ માત્ર માઈભક્તો અને પગપાળા સંઘો માટે ખુલ્લો મુકાશે, જેથી પદયાત્રીઓની યાત્રા વધુ સુગમ બનશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0