સતલાસણા તાલુકાના ભીમપુર ખાતે મહત્વની પાણી યોજનાનો પ્રારંભ

September 9, 2026

317 કરોડના પ્રોજેક્ટથી 29 તળાવો ભરાશે, ભીમપુરના વરસંગ તળાવમાં નર્મદાનું પાણી છોડાયું

ગરવી તાકાત ઃ 9-9-2026

મહેસાણા જિલ્લાના સરહદી અને પછાત ગણાતા પંથકમાં જળસંકટ નિવારવા માટે સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણય અંતર્ગત સતલાસણા તાલુકાના ભીમપુર ખાતે આવેલા ઐતિહાસિક વરસંગ તળાવમાં વિધિવત રીતે નર્મદાના પવિત્ર નીર છોડવામાં આવ્યા છે. સમગ્ર પંથકની જીવાદોરી સમાન રૂપિયા 317 કરોડના માતબર ખર્ચે આકાર પામેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ પાઈપલાઈન નેટવર્ક દ્વારા સતલાસણા તેમજ ખેરાલુ તાલુકાના નાના-મોટા કુલ 29 જેટલા તળાવોને નર્મદાના પાણીથી ભરવાનું ભગીરથ કાર્ય શરૂ કરી દેવાયું છે. ભીમપુરના તળાવમાં ધસમસતા જળપ્રવાહનું આગમન થતાં જ ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂત આલમમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન આ પંથકમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાને કારણે ધરતીપુત્રો ભારે ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયેલા હતા. ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી જવાના કારણે પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની ગંભીર મુશ્કેલી ઊભી થઈ હતી, સાથે જ આગામી સમયમાં પશુપાલકો માટે ઘાસચારો અને પાણી સંગ્રહનો વિકટ પ્રશ્ન તોળાઈ રહ્યો હતો. ખેડૂતોની આ વેદના અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સત્વરે દરમિયાનગીરી કરી હતી અને તેમના સીધા માર્ગદર્શન તેમજ ઉપસ્થિતિમાં વરસંગ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજના કાર્યરત થવાથી આસપાસના ડઝનબંધ ગામોની હજારો હેક્ટર ખેતીલાયક જમીનને જીવતદાન મળશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે.

આ પાવન અવસરે યોજાયેલા કાર્યક્રમમાં સુદાસણા સ્ટેટના મહારાણા વિરેન્દ્રસિંહજી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ખેરાલુ અને સતલાસણા વિસ્તારના ભાજપના અગ્રણી હોદ્દેદારો, વિવિધ ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના ડેલીગેટો, સદસ્યો તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા. તળાવમાં નવા નીરના વધામણાં વેળાએ ધરોઈ સિંચાઈ વિભાગના ઉચ્ચ એન્જિનિયરો, વહીવટી અધિકારીઓ અને પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો પણ સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર સંચાલનની સમીક્ષા કરી રહ્યા હતા. સમયસર નર્મદાના પાણી મળી રહેતાં સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાયો છે અને ઉપસ્થિત સૌ આગેવાનો તેમજ ગ્રામજનોએ આ મહત્વપૂર્ણ પહેલ બદલ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0