મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં જૂની અદાવતનો કરુણ અંજામ

September 8, 2026

ગરવી તાકાત ઃ 8-9-2026

મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં અગાઉ થયેલી ગેરકાયદે દીવાલ તોડવાની તકરારની અદાવત રાખીને મહિલા હોમિયોપેથી ડોક્ટર તથા તેમના નિર્દોષ પરિવારજનો પર પાડોશીઓએ ભેગા મળીને જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વ્યવસાયે હોમિયોપેથી ડોક્ટર તરીકે સેવા આપતા શ્રદ્ધાબેન અક્ષયભાઈ પાર્થ ગત ૬ સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પોતાના ક્લિનિકથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સોસાયટીમાં જ રહેતા પાડોશી વસંતીબેન બાબુલાલ અને તેમના પરિવારજનોએ જૂની અદાવતને લઈને રસ્તામાં જ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી તેમજ જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવા લાગ્યા હતા. મામલો બિચકતાં મહિલા ડોક્ટરે તાત્કાલિક પોતાની સુરક્ષા માટે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમને જાણ કરી સ્થળ પર બોલાવી હતી.

૧૮૧ અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમિયાન જ ઉશ્કેરાયેલા પાડોશીઓએ કાયદાની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર ખુલ્લેઆમ હિંસા આચરી હતી. વસંતીબેન, બાબુલાલ, તેમનો દીકરો તેમજ જગદીશભાઈ તુલસીદાસ પરમાર, તેમની પત્ની અને ગણપતભાઈ પરમારના બે દીકરાઓ સહિતના ટોળાએ અચાનક એકસંપ થઈને હિંસક હુમલો બોલાવી દીધો હતો. હુમલાખોરોએ મહિલા ડોક્ટરના પતિ અક્ષયભાઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરી તેમને ઉપરાઉપરી તમાચા મારી દીધા હતા તેમજ ગળાના ભાગે નખ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હિંસક ધમાલમાં અક્ષયભાઈના આંખના ચશ્મા અને હાથમાંથી મોબાઈલ ફોન પણ જમીન પર પટકીને તોડી નખાયા હતા.

બહાર થઈ રહેલા ભારે હોબાળા અને બૂમાબૂમનો અવાજ સાંભળીને શ્રદ્ધાબેનનો ભાઈ દર્શીલ ઘરની બહાર દોડી આવ્યો હતો. સમગ્ર ઘટના અને હુમલાખોરોની કરતૂતોનો મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કરતાં જ ઉશ્કેરાયેલા ટોળાએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ દર્શીલના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને રોડ પર ફેંકી દીધો હતો અને તેને નીચે પછાડી ઢસડીને માર માર્યો હતો. આટલેથી ન અટકતાં હુમલાખોરો સીધા ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં હાજર પ્રજ્ઞાચક્ષુ બહેનનું ક્રૂરતાપૂર્વક ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો હતો, એટલું જ નહીં, ઘરમાં રહેલા એક નાના માસૂમ બાળક પર કપડાં સૂકવવાનું ભારે લોખંડનું સ્ટેન્ડ ફેંકીને તેને પણ ઈજા પહોંચાડવાનો અધમ પ્રયાસ કર્યો હતો.

ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બનાવની જાણ તાત્કાલિક ૧૧૨ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતાં મહેસાણા એ-ડિવિઝન પોલીસનો કાફલો સાયરન વગાડતો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડોક્ટરના પતિ અક્ષયભાઈ અને ભાઈ દર્શીલને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર મહિલા હોમિયોપેથી ડોક્ટર શ્રદ્ધાબેને મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં વસંતીબેન બાબુલાલ, બાબુલાલ વણકર, બાબુલાલનો દીકરો, જગદીશભાઈ તુલસીદાસ પરમાર, જગદીશભાઈની પત્ની તથા ગણપતભાઈ પરમારના બે દીકરાઓ સહિત તમામ હુમલાખોરો સામે વિધિવત ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0