શંકુઝ વોટર પાર્કમાં રૂ. ૬ લાખના ઘરેણાં ચોરીનું નાટક ખુલ્લું: ફરિયાદી મહિલાની બેગમાંથી જ મુદ્દામાલ મળ્યો

September 8, 2026

મુંબઈની મહિલાએ નોંધાવી હતી ફરિયાદ; પોલીસે શંકા જતાં તપાસ કરતા પોતાની જ બેગમાંથી ઘરેણાં નીકળ્યા

ગરવી તાકાત 8-9-2026

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જગવિખ્યાત શંકુઝ વોટર પાર્કના નેચરલ હેલ્થ કેર સેન્ટરમાં અંદાજે રૂપિયા છ લાખની કિંમતના સોના-હીરાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં અત્યંત ચતુરાઈપૂર્વક તપાસ હાથ ધરીને આ સમગ્ર ચોરીના તરકટનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે મહિલાએ પોતાના દાગીના રૂમના લોકરમાંથી ચોરાઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તે તમામ કિંમતી ઘરેણાં અન્ય કોઈ પાસેથી નહીં પરંતુ તે મહિલાની જ અંગત બેગમાંથી કપડાં વચ્ચે સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા.

મુંબઈના અંધેરી પશ્ચિમમાં જે.બી. નગર વિસ્તારમાં આવેલી મની દર્શન બિલ્ડિંગ ખાતે રહેતા માધવી ભવરલાલ લખોટીયા ગત ૨૫ ઓગસ્ટના રોજ શંકુઝ વોટર પાર્કના નેચરલ થેરાપી સેન્ટરમાં રોકાણ અર્થે આવ્યા હતા. તેમણે પોતાના રોકાણ દરમિયાન રૂમમાં ઉપલબ્ધ લોકરમાં અંદાજે રૂપિયા ૫,૯૮,૫૦૦ની કિંમતના અત્યંત કિંમતી દાગીના મૂક્યા હતા. ત્યારબાદ ગત ૩ સપ્ટેમ્બરના રોજ તેમણે લોકર તપાસતા આ કિંમતી ઘરેણાં ગાયબ જણાયા હતા, જેથી સેન્ટરમાંથી દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાવી તેમણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં દોઢ લાખની કિંમતની વ્હાઇટ ગોલ્ડની વીંટી, સવા લાખનું ડાયમંડ મંગળસૂત્ર, બે લાખનું સોનાનું બ્રેસલેટ, પન્નાવાળી સોનાની વીંટી, હીરાજડિત વીંટી તેમજ કાંડા ઘડિયાળ સહિતના દાગીના ચોરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ચકચારી કેસની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. આ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોત તેમજ પી.એસ.આઇ. પી.એસ. રાઠવા સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ સમગ્ર સંકુલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા અને સ્ટાફની ગતિવિધિઓ પર નજર દોડાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને કોઈ બહારની શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ ન જણાતા શંકાની સોય ફરિયાદી તરફ વળી હતી. પોલીસે ફરિયાદી મહિલાની કડકાઈ તેમજ યુક્તિપૂર્વક સઘન પૂછપરછ શરૂ કરતા તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને સંતોષકારક જવાબો આપી શક્યા નહોતા. જેથી પોલીસ ટીમે મહિલાની હાજરીમાં જ તેમના સામાનની ઊંડાણપૂર્વક તલાશી લેવાનું શરૂ કર્યું હતું. આ તપાસ દરમિયાન મહિલાની બેગમાં રહેલા ઇસ્ત્રી કરેલા કપડાંની ગડીઓ વચ્ચે અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવેલી એક પ્લાસ્ટિકની કોથળી પોલીસના હાથે ચડી ગઈ હતી. પોલીસે આ શંકાસ્પદ કોથળી ખોલીને જોતાં જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે જે તમામ દાગીના ચોરાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે તમામ સોના અને હીરાના ઘરેણાં તેમાંથી સહીસલામત મળી આવ્યા હતા. લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાના ચોરીના આ હાઈવોલ્ટેજ ડ્રામાનો પર્દાફાશ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0