સ્ટાર્ટઅપમાં મદદના બહાને કડા ચોકડી બોલાવી કારમાં ઉઠાવી ગયા; આંખ પર પંચ મારી, ઝાડીઓમાં લઈ જઈ બળજબરીથી કબૂલાતનો વીડિયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી: 7 સામે ગુનો
ગરવી તાકાત ઃ 5-9-2026

વિસનગરમાં ડેટા ચોરીની આશંકા રાખીને એક ૨૫ વર્ષીય નિર્દોષ યુવકનું અપહરણ કરી તેને કારની ડેકી તેમજ શોપિંગ સેન્ટરના અંધારા બેઝમેન્ટમાં લઈ જઈ ઢોર માર મારવાની અત્યંત ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. વિસનગરના સવાલા દરવાજા નજીક આવેલી સિદ્ધનાથ મહાદેવની પોળમાં રહેતા અને અભ્યાસ કરતા રીકીન ગિરીશકુમાર પ્રજાપતિ નામના યુવકને તેના પરિચિત ભાવેશ મોદીએ ફોન કરીને જણાવ્યું હતું કે તેણે નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તેમાં મદદની જરૂર હોવાથી તાત્કાલિક મળવું પડશે. પરિચિત મિત્રના વિશ્વાસે રીકીન પોતાનું એક્ટિવા લઈને ૩ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે કડા ચોકડી પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં જ ભાવેશ તેને રોડની બીજી તરફ લઈ ગયો હતો અને અચાનક ઉશ્કેરાઈને ‘તેં અમારી જેક્સ કન્સલ્ટીંગ એલ.એલ.પી. કંપનીમાંથી ડેટા ચોરી કર્યો છે’ તેવો આક્ષેપ મૂકી ગાલ પર જોરદાર લાફો મારી દીધો હતો અને ગડદાપાટુનો નિર્દય માર મારવાનું શરૂ કરી દીધું હતું. આશરે પંદર મિનિટ સુધી રીકીનનો મોબાઈલ ફોન ફંફોસવા છતાં ડેટા ચોરીનો કોઈ પુરાવો ન મળતાં ભાવેશે તેના મિત્ર સ્મિત પટેલને સ્થળ પર બોલાવવા ફોન કર્યો હતો અને સ્મિતના કહ્યા મુજબ રીકીનને ત્યાં જ બળજબરીથી અટકાવી રાખવામાં આવ્યો હતો.
થોડી જ ક્ષણોમાં સ્મિત પટેલ કાળા રંગની ગાડી લઈને ધર્મ પટેલ તથા જયવર્ધન નામના શખ્સો સાથે કડા ચોકડી આવી પહોંચ્યો હતો. આ તમામ આરોપીઓએ ગાડીની ડેકી ખોલીને રીકીનને તેમાં પુરાઈ જવા કહ્યું હતું, પરંતુ યુવકે તેનો પ્રતિકાર કરતાં ચારેય જણાએ તેની સાથે ભારે ઝપાઝપી કરી, બેફામ માર મારીને બળજબરીથી કારની પાછળની સીટમાં બેસાડી દીધો હતો અને તેનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ અપહરણકારો રીકીનને મહેસાણા ચોકડી નજીક આવેલા સંસ્કૃતિ એસ સ્ક્વેરના બેઝમેન્ટમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચતાં જ સ્મિત પટેલે હાથમાં લોખંડ કે ધાતુનું કોઈ હથિયાર પહેરીને રીકીનની ડાબી આંખ પર જીવલેણ ઘા ઝીંકી દીધો હતો, જેથી યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. આ દરમિયાન અન્ય આરોપી ધર્મ પટેલ પોતાની લાલ રંગની થાર ગાડી બેઝમેન્ટમાં લઈ આવ્યો હતો અને તેની તેજ હેડલાઈટના અજવાળે આકાશ રામી, સોહમ પટેલ તથા અન્ય સાગરીતો સાથે મળીને રીકીન પર તૂટી પડ્યા હતા અને તેને અધમૂવો કરી નાખ્યો હતો.
આટલા અત્યાચાર બાદ પણ આરોપીઓનો ગુસ્સો શાંત થયો ન હતો અને આકાશ રામી પોતાની કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાં રીકીનને વિસનગર-મહેસાણા રોડ પર અર્બુદા માતાના મંદિર નજીક આવેલી નિર્જન ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં આરોપી જયવર્ધને રીકીન પાસે બળજબરીથી કબૂલાત કરાવતો વીડિયો તથા વોઈસ રેકોર્ડિંગ કરાવ્યું હતું કે ‘મેં કંપનીમાંથી ડેટાની ચોરી યાવીક બારોટના કહેવાથી કરી છે’. આટલું જ નહીં, જો આ સમગ્ર ઘટના બાબતે પોલીસમાં ફરિયાદ કે કોઈને જાણ કરવામાં આવશે તો સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી પણ આપવામાં આવી હતી. આખરે ગંભીર રીતે ઘવાયેલા રીકીનને મહેસાણાની માનવ આશ્રમ ચોકડી પાસે ગાડીમાંથી રસ્તા પર ફેંકી દઈ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત રીકીને અસહ્ય પીડા વચ્ચે હિંમત દાખવી પોતાના પિતાને ફોન કરી સમગ્ર આપવીતી જણાવતાં પંકજભાઈ અને મિત્ર ધવલ બારોટ ક્રેટા ગાડી લઈને તાત્કાલિક માનવ આશ્રમ ચોકડી પહોંચ્યા હતા અને લોહીથી લથપથ હાલતમાં રીકીનને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. આ ચકચારી બનાવ અંગે સારવાર બાદ રીકીન પ્રજાપતિએ વિસનગર શહેર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે ભાવેશ મોદી, સ્મિત પટેલ, ધર્મ પટેલ, જયવર્ધન, આકાશ રામી, સોહમ પટેલ અને એક અજાણ્યા શખ્સ સહિત સાત લોકો સામે અપહરણ, જીવલેણ હુમલો અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


