વડનગરમાં ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાઈ: રાજ્ય મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ગરવી તાકાત ઃ 5-9-2026
પાટણ અને મહેસાણા જિલ્લાના હજારો શિવભક્તો જોડાયા, ઘાંસકોળ દરવાજાથી નીકળેલી યાત્રા હાટકેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ

ગુજરાતના સુપ્રસિદ્ધ ઐતિહાસિક અને આધ્યાત્મિક નગર વડનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત દરરોજ યોજાતી ભવ્ય ડમરુ યાત્રા અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત આ ભવ્ય ડમરુ યાત્રામાં નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ શિવભક્તો સાથે ખભેખભા મિલાવી યાત્રામાં સહભાગી થઈ રાજ્યના આ ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જીવંત રાખવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સમૂહ યાત્રાનું મુખ્ય આકર્ષણ ૧૦૮ કલાકારો દ્વારા એકસાથે કરવામાં આવેલું અદભુત ડમરુ વાદન હતું. ૧૦૮ કલાકારોના સમન્વયથી ગુંજી ઉઠેલા પાવન નાદથી સમગ્ર વડનગર નગરી શિવભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. વહેલી સવારે શરૂ થયેલી આ વિરાટ યાત્રામાં સ્થાનિક નગરજનો ઉપરાંત પાડોશી પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ૧૦૮ કલાકારોની પ્રસ્તુતિ અને હર હર મહાદેવના ગગનભેદી જયઘોષે શ્રાવણ માસના પવિત્ર અવસરે નગરમાં અનોખું આધ્યાત્મિક આકર્ષણ જમાવ્યું હતું.
ડમરુ યાત્રાના નિર્ધારિત રૂટ મુજબ આ પાવન યાત્રા ઘાંસકોળ દરવાજા પાસે આવેલા ઐતિહાસિક ભુવનેશ્વરી માતાજીના મંદિર પરિસરેથી પ્રારંભ થઈ હતી. ત્યાંથી મોઢવાડાના ચાચરે, મસીયા મહાદેવ, અટાળો, મહાકાળી માતાજીનું મંદિર, ચકલા અને આમતોલ દરવાજા જેવા નગરના વિવિધ ધાર્મિક અને પૌરાણિક સ્થળો પરથી પસાર થઈ હતી. અત્યંત શિસ્તબદ્ધ રીતે નગરના રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યા બાદ આ ભવ્ય યાત્રા વિશ્વપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ઉપસ્થિત તમામ ભક્તોએ મહાદેવના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા અને પરંપરાઓને જાળવી રાખવા માટે આવા ભવ્ય મહોત્સવોનું સતત આયોજન કરવામાં આવે છે. શ્રાવણ ઉત્સવના ભાગરૂપે યોજાયેલી આ ડમરુ યાત્રાએ વડનગરના ગૌરવશાળી આધ્યાત્મિક મહત્વને વૈશ્વિક સ્તરે પુનઃ ઉજાગર કર્યું છે. યાત્રાના સમાપન બાદ મંત્રી શ્રી કમલેશ પટેલે શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિધિવત પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીના હસ્તે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદ તેમજ શિવ કીટનું ભાવપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગરિમામય ધાર્મિક પ્રસંગે વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, વિવિધ પદાધિકારીઓ, સ્થાનિક સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શિવભક્તો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


