વડનગર શ્રાવણોત્સવમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર: ત્રણ રવિવારે અંદાજે ૪૦ હજાર પ્રવાસીઓએ ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ માણ્યો
ગરવી તાકાત ઃ 5-9-2026
૬ સપ્ટેમ્બરે મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાશે, શિવભક્તો અને સહેલાણીઓને સહભાગી થવા ગુજરાત પ્રવાસન નિગમનું ભાવભર્યું નિમંત્રણ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર રવિવારે ઐતિહાસિક નગરી વડનગરના નયનરમ્ય શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પરિસર ખાતે ‘વડનગર શ્રાવણોત્સવ’નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તિ, શાસ્ત્રીય સંગીત અને લોકસાંસ્કૃતિક પરંપરાઓના અદભુત ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય મહોત્સવને પ્રવાસીઓ અને શિવભક્તો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. ઐતિહાસિક વિરાસત ધરાવતા વડનગરમાં દર રવિવારે મુલાકાતીઓની સંખ્યામાં સતત ઉત્સાહજનક વધારો નોંધાઈ રહ્યો છે.
આ શ્રાવણોત્સવ દરમિયાન યોજાયેલી ભક્તિમય પ્રસ્તુતિઓની શૃંખલામાં પ્રથમ રવિવારે ૧૬ ઓગસ્ટના રોજ ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, ગગનભેદી શંખ અને ઘંટનાદ, પવિત્ર વૈદિક રુદ્રપાઠ તેમજ શિવ કથા અને શિવ ભજનોનું મનનીય આયોજન કરાયું હતું. ત્યારબાદ બીજા રવિવારે ૨૩ ઓગસ્ટના રોજ ગણેશ વંદના નૃત્ય, સિતાર અને વાંસળીનું સુમધુર વાદન, ક્લાસિકલ પર્ફોર્મન્સ, ‘ભૂ શંભુ’ પ્રસ્તુતિ, દિવ્ય શિવ આરતી તથા ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. ત્રીજા રવિવારે ૩૦ ઓગસ્ટના રોજ ગણેશ વંદનાથી પ્રારંભ કરી નગરના આરાધ્ય દેવ શ્રી હાટકેશ્વર મહાદેવ તેમજ વડનગરના ગૌરવશાળી ઐતિહાસિક મહત્વને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવ સ્તુતિ, ઓમકાર નાદ, શાસ્ત્રીય સંગીત સાથે સુપ્રસિદ્ધ તરણેતરના મેળાની ઓળખ સમાન હુડો રાસ અને શિવ ભજનોની રમઝટે સમગ્ર વાતાવરણને શિવમય બનાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સમગ્ર મહોત્સવનું સૌથી મોટું નજરાણું શર્મિષ્ઠા તળાવના પરિસરમાં કરવામાં આવેલું અદભુત રોશનીનું સુશોભન તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શો રહ્યા છે. અદ્યતન લાઇટિંગ અને લેસર શોના કારણે સાંજના સમયે પ્રાચીન અને ઐતિહાસિક પરિસર એક સ્વર્ગીય દૃશ્યરૂપ ધારણ કરી લે છે, જે પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ સાબિત થઈ રહ્યું છે.
આંકડાકીય વિગતો મુજબ છેલ્લા ત્રણ રવિવાર દરમિયાન કુલ ૩૮,૧૧૯ પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લઈને નવો વિક્રમ નોંધાવ્યો છે. જેમાં ૧૬ ઓગસ્ટે ૧૦,૪૨૭, ૨૩ ઓગસ્ટે ૧૩,૬૪૪ અને ૩૦ ઓગસ્ટે ૧૪,૦૪૮ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તે જ રીતે શર્મિષ્ઠા તળાવના કાંઠે યોજાયેલા સાંજના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સહેલાણીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. ત્રણ રવિવાર દરમિયાન કુલ ૧૦,૨૦૮ કલારસિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લહાવો લીધો હતો, જેમાં પ્રથમ રવિવારે ૨,૫૭૩, બીજા રવિવારે ૩,૩૦૫ અને ત્રીજા રવિવારે ૪,૩૩૦ મુલાકાતીઓ જોડાયા હતા.
શ્રાવણોત્સવ અંતર્ગત હવે તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અંતિમ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન સત્ર યોજાવા જઈ રહ્યું છે. શિવભક્તિ, લોકવારસો, સુરક્ષિત વ્યવસ્થાઓ, વિશિષ્ટ લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે આયોજિત આ આખરી અવસરનો લાભ લેવા જે શ્રદ્ધાળુઓ અત્યાર સુધી વંચિત રહ્યા હોય તેમના માટે આ એક સુવર્ણ તક સમાન છે. શ્રાવણોત્સવની મુલાકાત સાથે પ્રવાસીઓ નગરમાં આવેલા સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, પ્રાચીન શર્મિષ્ઠા તળાવ, સંગીત બેલડી તાના-રીરીની સમાધિ તેમજ તાજેતરમાં ઉત્ખનન થયેલા પુરાતત્વીય સ્થળોની મુલાકાત લઈને વડનગરના અમૂલ્ય ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરી શકે છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ અંતિમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારી ભક્તિ અને સંસ્કૃતિના પાવન સંગમનો હિસ્સો બનવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


