નંદાસણ પોલીસની સપાટો: ચાંદરડા સીમની કંપનીમાં ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

August 31, 2026

મેટલ ફોર્જ ઈન્ડિયા કંપનીમાંથી લોખંડના સ્પુલ ચોરનારી ગેંગના 5 સાગરીતો ઝાડીઓમાંથી દબોચાયા: રિક્ષા અને મુદ્દામાલ સહિત ₹2.17 લાખનો મુદ્દામાલ જપ્ત

ગરવી તાકાત 31-8-2026

દીવાલ કૂદીને ચોરી કરનારા આરોપીઓને બાતમીના આધારે પોલીસે ઘેરી લીધા, ફરાર અન્ય બે તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન

મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન હેઠળ આવતી મેટલ ફોર્જ ઈન્ડિયા કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચાંદરડા ગામની સીમમાં ખેરપુર રોડ પર આવેલી આ કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને લાખો રૂપિયાની કિંમતના લોખંડના માલસામાનની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ચોરીની આ ઘટનાને લઈને ઔદ્યોગિક પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, જેને પગલે નંદાસણ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નંદાસણ પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન એ.હેડ.કોન્સ. વિજયસિંહ બળવંતસિંહ અને આ.પો.કો. પંકજકુમાર રાજેન્દ્રભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સો ચોરાયેલા માલ સાથે આસપાસના વિસ્તારમાં છુપાયેલા છે. મળેલી બાતમીના આધારે પોલીસ કાફલાએ ચાંદરડા તેમજ લક્ષ્મીપુરા સીમમાં આવેલા બાવળોની ઝાડીઓમાં ઘેરાબંધી કરીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ ત્વરિત કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રાહુલકુમાર કનજીજી ઠાકોર, મહોમ્મદ તારીક ગનીભાઇ ઘાંચી, કનુભાઇ ઘેમરભાઇ રાવળ, રવિભાઇ રઘુનાથભાઇ ભીલ તેમજ આકાશ રમેશભાઇ રાવળ નામના 5 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા તમામ આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરીને તેમની પાસેથી કંપનીમાંથી ચોરેલું આશરે 630 કિલોગ્રામ વજનનું રૂ. 1,57,500 ની કિંમતનું ફેબ્રિકેટેડ સ્પુલ એટલે કે લોખંડની પાઇપો કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત ચોરીના આ ગુનામાં માલસામાનની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂ. 50,000 ની કિંમતની એક સીએનજી રિક્ષા (GJ-02-BU-1272) તેમજ રૂ. 10,000 ની કિંમતના 2 મોબાઇલ ફોન સહિત કુલ મળીને રૂ. 2,17,500 નો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

આ ચોરીના કાવતરામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ભુરાભાઇ ઉર્ફે એસ.કે. સંધાભાઇ રાવળ અને પ્રકાશ ઉર્ફે કાલી બળદેવભાઇ રાવળ પોલીસની રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પી.આઇ. એન.જી. ગોહિલ અને પી.એસ.આઇ. જે.એમ. ગેહલોત સહિતની ટીમ દ્વારા પકડાયેલા પાંચેય આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ અગાઉ આ વિસ્તારમાં બનેલી અન્ય કોઈ ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે સઘન રિમાન્ડ અને પૂછપરછની તજવીજ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0