કચ્છી પરિવારનું અનુપમ ધાર્મિક સમર્પણ

August 31, 2026

ભુજના મોખાણાના પરિવારે ૬ વર્ષના વહાલસોયા પુત્રને વાળીનાથ મહાદેવના ચરણે અર્પણ કર્યો

ગરવી તાકાત ઃ 31-8-2026

માનતા કે દબાણ વગર માત્ર ઈશ્વરભક્તિ કાજે લેવાયેલા નિર્ણયથી સમાજમાં અનોખી પ્રેરણા; મહંત જયરામગીરી બાપુએ બાળકને ‘શ્રીયાંશગિરિ’ નામ આપી આશીર્વાદ આપ્યા

કચ્છની ધીંગી ધરા પરથી શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ત્યાગનો એક અદભુત તેમજ હૃદયસ્પર્શી પ્રસંગ સામે આવ્યો છે. ભુજ તાલુકાના મોખાણા ગામના વતની વિસા કરમશી કરોતરા પરિવારે પોતાના સૌથી નાના ૬ વર્ષના પુત્ર શ્રીયાંશને વાળીનાથ મહાદેવના ચરણે સમર્પિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મોખાણા ગામમાં રબારી સમાજના આશરે ૫૦ પરિવારો વસે છે અને કરોતરા પરિવાર છેલ્લા ૪૦ વર્ષથી વાળીનાથ ધામ સાથે અખૂટ શ્રદ્ધાથી જોડાયેલો છે. વિસાભાઈ અને સોનીબેનના ત્રણ દીકરાઓ પૈકી સૌથી નાના શ્રીયાંશને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે અગ્રેસર કરવા માટે સમગ્ર પરિવારે એક થઈને આ પવિત્ર સંકલ્પ સાકાર કર્યો છે.

આ નિર્ણય પાછળ કોઈ લૌકિક માનતા કે પારિવારિક દબાણ નહોતું, પરંતુ પરમ ભાવ અને બાપુના આશીર્વાદ પ્રત્યેનો અગાધ ભક્તિભાવ મુખ્ય પ્રેરક રહ્યો છે. પિતા વિસાભાઈ રબારીએ અત્યંત આનંદ અને સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના દીકરાને મહાદેવના ચરણે સમર્પીને ધન્યતા અનુભવે છે. જ્યારે બાળકના કાકા મંગલભાઈ રબારીએ આ લાગણીને દોહરાવતા કહ્યું કે, ત્રણ વર્ષ પૂર્વે ભાઈએ લીધેલા સંકલ્પને આખા પરિવારે સમર્થન આપ્યું હતું. સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટે, સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર થાય અને આવનારી પેઢી સન્માર્ગે વળે તેવા ઉમદા હેતુથી આ બાળકનું સમર્પણ કરવામાં આવ્યું છે.

આ પવિત્ર અવસર નિમિત્તે હાઈવે પરથી વાળીનાથ ધામ સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત કચ્છી પરિધાનમાં સજ્જ રબારી સમાજના પુરુષો અને મહિલાઓએ ઉત્સાહભેર ગરબે ઘૂમીને ધાર્મિક માહોલ ખડો કર્યો હતો. વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રા વાળીનાથ ધામ પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે દીકરાને મંદિરના શરણમાં સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઊંઝાના ભુવાજી રઘા હરજી કાળોતરા પરિવાર તરફથી બાળકને સુવર્ણ પાઘડી પહેરાવીને વિશિષ્ટ સન્માન અપાયું હતું. વાળીનાથ ધામના ગાદીપતિ મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ શ્રીયાંશને વહાલપૂર્વક આશીર્વાદ આપી કપડાં-રમકડાંની ભેટ ધરી હતી અને તેનું નવું નામ ‘શ્રીયાંશગિરિ’ જાહેર કર્યું હતું. સાથે જ પોતાના સંતાનને ધર્મના કાર્યો માટે સમર્પિત કરનાર માતા-પિતાનું પણ ધામ તરફથી સન્માન કરાયું હતું.

વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં દીકરાઓનું દાન આપવાની પરંપરા સદીઓ જૂની છે. લોકો જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે અથવા શુદ્ધ ભાવથી સંતાનને ધર્મરક્ષા માટે અર્પણ કરતા હોય છે, અને છેલ્લા પાંચ વર્ષમાં આવા પાંચ બાળસંતો અહીં સમર્પિત થયા છે. આજના આધુનિક સમયમાં પણ વાળીનાથ ધામની આ પરંપરા અત્યંત પારદર્શક અને ઉદાર છે. અહીં આવતા બાળકને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે બાળક પુખ્ત વયનો બને ત્યારે તેને પોતાની મરજી મુજબ જીવનપંથ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહે છે. જો તે સંત જીવનમાં આગળ વધવા માંગે તો જ તેને દીક્ષા આપવામાં આવે છે, અને જો તે સંસારમાં પાછા ફરવા ઈચ્છે તો તેના પર કોઈ પ્રકારનું બંધન લાદવામાં આવતું નથી.

આસ્થાના પરમ પ્રતીક સમાન વાળીનાથ અખાડાનો ઈતિહાસ લગભગ ૯૦૦ વર્ષ પ્રાચીન છે. જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી મહાદેવ, ગણેશજી અને માં ચામુંડાની મૂર્તિઓની સંત વિરમગીરીજી મહારાજે અખંડ ધૂણી ધખાવી સ્થાપના કરી હતી. પૂર્વ મહંત બળદેવગીરી બાપુ અને વર્તમાન મહંત જયરામગીરી બાપુના સાનિધ્યમાં આ સ્થાનક સમસ્ત હિન્દુ સમાજની અવિચળ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. વર્ષ ૨૦૨૪માં બંસી પહાડપુરના લાલ પથ્થરોથી નિર્મિત ૧૦૧ ફૂટ ઊંચા જે નૂતન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, તે આજે સોમનાથ પછી ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવમંદિર બની ચૂક્યું છે. આવા દિવ્ય ધામમાં ૬ વર્ષના બાળકના સમર્પણનો આ કિસ્સો સમગ્ર પંથકમાં ભક્તિ અને ત્યાગના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0