ગરવી તાકાત ઃ 27-8-2026
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે દબોચી લીધો છે.
બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.
દરમિયાન એલસીબી પોલીસ ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી, હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે મહત્વની કડી મળી હતી કે ભરત ચૌધરી હત્યા કેસનો વોન્ટેડ આરોપી પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી પસાર થવાનો છે. આ સચોટ માહિતીના આધારે પોલીસે પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે સફળતાપૂર્વક ઘેરાબંધી કરીને છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અશ્વિન ઉર્ફે રાજુ ભપ શંકરભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૯, રહે. આનંદનગર સોસાયટી, પાલનપુર) ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.
આ ચકચારી હત્યા કેસ સંદર્ભે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૧૦૯, ૧૧૫(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૨૪(૪) તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલો હતો. એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી અશ્વિન ઉર્ફે રાજુ પટેલનો કબ્જો મેળવીને આગળની રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી અર્થે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


