ગરવી તાકાત ઃ 24-8-2026
વિસનગર શહેરમાં સામાજિક અને સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ ઓફ કોપર સિટીની વર્ષ 2026-27 માટેની નવીન કાર્યવાહક ટીમનો ભવ્ય પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. વિસનગરના એપીએમસી ભોજનાલય હોલ ખાતે આયોજિત આ ગરિમાપૂર્ણ સમારોહમાં ક્લબના નવા હોદ્દેદારોએ વિધિવત રીતે સત્તા સંભાળી હતી, જેમાં પ્રમુખ તરીકે રાજેન્દ્ર કે. પટેલ (ગાંધી) અને મંત્રી તરીકે જસવંતસિંઘ જે. ચૌધરીએ પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મણિભાઈ પટેલે શાસ્ત્રોક્ત અને સંગઠનના નિયમોનુસાર નવીન ટીમના તમામ સભ્યોને શપથ લેવડાવીને સેવાના માર્ગે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.
નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે આગામી વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને માનવસેવા સહિતની વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમારોહને સંબોધતા મુખ્ય અતિથિ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે નવીન ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે સંસ્થાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વનો પાયો છે. ભારત દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને તે દિશામાં સહભાગી થઈ પ્રત્યેક નાગરિક અને સેવાભાવી સંસ્થાઓ દેશહિત તથા લોકકલ્યાણના કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવું તેમણે આહવાન કર્યું હતું.
આ ગરિમામય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ કે. પટેલ (આર.કે.) તેમજ શ્યામસુંદર બી. બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન રમેશભાઈ પટેલ અંબર ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબના પદાધિકારીઓ, સભ્યો અને નગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ નવી નિયુક્ત થયેલી ટીમને પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ પાઠવી ઉજ્જવળ કાર્યકાળ માટે મંગલકામનાઓ પાઠવી હતી.

