મહેસાણા એલસીબીની મોટી સફળતા: ઊંઘતા મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

August 20, 2026

ગરવી તાકાત મહેસાણા ઃ 20-8-2026

રેલવે ટ્રેનોમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરતા મુસાફરો ગાઢ નિંદ્રામાં પોઢી જાય ત્યારે તેમના કિંમતી માલસામાન અને ઘરેણાં પર હાથફેરો કરતા એક શાતિર અને રીઢા તસ્કરને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા ૨૦ વર્ષીય આરોપી પાસેથી ૩ ડાયમંડ જડિત સોનાની વીંટીઓ, ૪ મોંઘાદાટ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૫,૨૯,૩૮૦ નો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ધરપકડ સાથે જ અમદાવાદ, મહેસાણા, વડોદરા, નડિયાદ, પાલનપુર તેમજ ગોધરા રેલવે પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ૨૩ જેટલા વણઉકેલાયેલા (અનડિટેક્ટ) ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા અપાયેલી કડક સૂચનાઓના પગલે એલસીબી પી.આઈ. એ.એમ. કામળીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ મહેસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે, ટ્રેનોમાં ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો એક શંકાસ્પદ શખ્સ લાખવડ ગામના પાટિયા પાસે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી મૂળ વિજાપુર તાલુકાના ધનપુરા (ઘાંટુ) ગામના વતની રાઠોડ શ્યામકુમાર ભીખુસિંહને ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલા શ્યામકુમારની કાયદેસરની અંગઝડતી લેતા તેની પાસેથી વિવો, સેમસંગ, ઓપ્પો અને વનપ્લસ કંપનીના ૪ કિંમતી સ્માર્ટફોન, ૩ નંગ સોનાની ડાયમંડ જડિત વીંટીઓ અને રૂપિયા ૧૪,૩૮૦ ની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી કિંમતનો મુદ્દામાલ પોતાની પાસે હોવા અંગે યુવક કોઈ યોગ્ય આધાર-પુરાવો રજૂ કરી શક્યો ન હતો કે સંતોષકારક ખુલાસો પણ આપી શક્યો નહોતો. જેથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬ મુજબ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી કલમ ૩૫(૧)ઈ હેઠળ તેની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસની યુક્તિપૂર્વકની પૂછપરછ અને ટેકનિકલ એનાલિસિસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે શ્યામકુમારને ઓનલાઇન ગેમિંગ તેમજ મોંઘાદાટ મોજશોખ પૂરા કરવાનો ભારે ચસકો લાગ્યો હતો. પોતાના આ ખર્ચાળ શોખ પૂરા કરવા નાણાંની અછત સર્જાતા તેણે રાત્રિના સમયે દોડતી ટ્રેનોમાં મુસાફરી કરી ઊંઘતા પેસેન્જરોના કિંમતી દાગીના, રોકડ અને સ્માર્ટફોન ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. આરોપી અગાઉ પણ આણંદ, જામનગર, મધ્યપ્રદેશના ઉજ્જૈન, ગાંધીનગર અને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું રેકર્ડ પર આવ્યું છે. મહેસાણા એલસીબીદ્વારા આગળની કાયદેસરની કડક કાર્યવાહી માટે આરોપી અને કબ્જે કરાયેલા મુદ્દામાલને મહેસાણા તાલુકા પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0