ગરવી તાકાત મહેસાણા 20-8-2026
મહેસાણા જિલ્લાના વિજાપુર સ્થિત વિસનગર રોડ પર આવેલી એચડીએફસી બેન્કની શાખાના કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા 500 ના દરની 26 નકલી ચલણી નોટો મળી આવવાના ચર્ચાસ્પદ બનાવમાં વિજાપુર પોલીસે આંતરરાજ્ય કક્ષાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. બેન્કના મેનેજર સંદિપભાઇ ભાનુભાઇ ભટ્ટે નોંધાવેલી વિધિવત ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં સમગ્ર કાવતરા પરથી પડદો ઉંચકી લીધો છે. ગત 14 ઓગષ્ટના રોજ પટેલ ધ્રુવકુમાર ભરતભાઈ નામના ગ્રાહકે પોતાની પત્ની દર્શનાબેનના બેન્ક ખાતામાં કેશ ડિપોઝિટ મશીન મારફતે રૂપિયા 50 હજાર જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મશીનમાં રૂપિયા 37 હજાર જમા થયાનો મેસેજ આવતા ધ્રુવકુમારે બેન્ક સ્ટાફને જાણ કરી હતી. સાંજે બેન્ક કર્મીઓએ મશીન ખોલીને ચકાસણી કરતા તેમાંથી રૂપિયા 500 ના દરની 26 બનાવટી નોટો મળી આવી હતી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા નાણાકીય લેવડદેવડની ચોંકાવનારી કડીઓ સામે આવી હતી. ધ્રુવકુમારને આ નાણાં તેના મામાના દીકરા પટેલ ફેનીલ મુકેશભાઇ પાસેથી મળ્યા હતા, જ્યારે ફેનીલને આ રકમ તેના મિત્ર અવિ રાકેશકુમાર ભાખરીયા પાસેથી મળી હતી. શેરબજાર અને વ્યાજવટાવના ધંધામાં ભારે દેવામાં ડૂબી ગયેલા અવિએ દેવું ચૂકવવા પોતાના દાદાનું ઘર રૂપિયા 30 લાખમાં ગીરો મૂકી રોકડા રૂપિયા 15 લાખ મેળવ્યા હતા. આ દરમિયાન અવિના મિત્ર જય ઉર્ફે જૈમીન ગોસ્વામીએ પૈસા બચાવવાની લાલચ આપી સાચી નોટોમાં નકલી નોટો ભેળવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. જયે વિસનગરના કાજીવાડામાં રહેતા પોતાના મિત્ર આદિલ શકીલભાઈ કુંભાર પાસેથી રૂપિયા 7 હજાર આપીને રૂપિયા 30 હજારની નકલી નોટો મેળવી હતી. ત્યારબાદ જય અને રાધે પટેલે અવિના રૂપિયા 50 હજારના સાચા બંડલમાં 26 નકલી નોટો ઘુસાડી દીધી હતી, જે નોટો છેવટે ડિપોઝિટ મશીન સુધી પહોંચી ગઈ હતી.
પોલીસ કસ્ટડીમાં આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે વિસનગરના આદિલ કુંભારે વર્ષ 2025માં પોતાના લેપટોપમાં ગૂગલ પરથી રૂપિયા 500 ની નોટનો ફર્મો ડાઉનલોડ કર્યો હતો. ત્યારબાદ કલર પ્રિન્ટરની મદદથી આશરે રૂપિયા 1.25 લાખની અસલ જેવી જ દેખાતી નકલી નોટો છાપી કાઢી બજારમાં વટાવી દીધી હતી. વિજાપુર બેન્કમાં નોટો પકડાઈ જતા આરોપીઓએ પોલીસ પકડથી બચવા બાકીની વધેલી નકલી નોટો રાજસ્થાન લઈ જઈને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જિલ્લા પોલીસ વડા દિનેશ સિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે આદિલ શકીલભાઈ કુંભાર, જૈમીન ઉર્ફે મનીષનાથ ગોસ્વામી, અવિ રાકેશકુમાર ભાખરિયા અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ 25 વર્ષથી ઓછી વયના છે, જેમાં આરોપી રાધે કાર લે-વેચનો ધંધો કરે છે, જૈમીન MCAનો વિદ્યાર્થી છે, અવિ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને આદિલ કોલેજનો વિદ્યાર્થી છે. આ યુવાનોએ અન્ય ક્યાં-ક્યાં નકલી નોટો વટાવી છે તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


