ગરવી તાકાત પાટણ ઃ 17-8-2026
પાટણ તાલુકાના સરવા ગામમાં લાંબા સમયથી ધમધમતી ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક ગ્રામજનોનો રોષ આખરે ફાટી નીકળ્યો હતો. પંથકમાં દૂષણ ફેલાવતા અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવા માટે સરવા સહિત આસપાસના ચાર ગામોના જાગૃત નાગરિકોએ સંગઠિત થઈને દેશી દારૂના અડ્ડાઓ પર જોરદાર જનતા રેડ પાડી હતી. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ગ્રામજનોએ અંદાજે ૭,૦૦૦ થી ૮,૦૦૦ લિટર જેટલો દેશી દારૂ અને દારૂ બનાવવાની સક્રિય ભઠ્ઠીઓનો સ્થળ પર જ નાશ કરી આશરે રુ.૪ થી રુ.૫ લાખની કિંમતનો મુદ્દામાલ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યો હતો.
વિસ્તારમાં દેશી દારૂના વધી રહેલા દૂષણને જળમૂળમાંથી નાબૂદ કરવાના મક્કમ સંકલ્પ સાથે સરવા, નોરતા, આંબલીયાસણ અને હમીદપુરા ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારબાદ આ તમામ ગામોના નાગરિકોએ એકસંપ થઈને સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દારૂના અડ્ડાઓ પર અચાનક છાપો માર્યો હતો. ગ્રામજનોના આ આકસ્મિક દરોડાથી ત્યાં હાજર અસામાજિક તત્ત્વોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
સ્થળ પર પહોંચેલા ગ્રામજનોને મોટા પાયે ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ, ભરેલા પીપડાઓ તેમજ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રાખેલો કાચો-પાકો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. નાગરિકોએ કોઈપણ જાતના ડર વિના સ્થળ પર હાજર આશરે ૭,૦૦૦ થી ૮,૦૦૦ લિટર દારૂના જથ્થાને જમીન પર ઢોળી દઈને ભઠ્ઠીઓના સાધનો તોડી પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રુ.૪ થી રુ.૫ લાખનો મુદ્દામાલ ગણતરીની મિનિટોમાં નષ્ટ કરી દેવાયો હતો. ચાર ગામોના લોકોની આ અસાધારણ એકતા અને હિંમતભરી કાર્યવાહીથી સમગ્ર પંથકના ગેરકાયદે ધંધાર્થીઓ અને બૂટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


