ગરવી તાકાત ઃ મહેસાણા 17-8-2026
મહેસાણા સ્થિત એશિયાની અગ્રણી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને રૂ.455 કરોડનો જંગી ભાવ વધારો અને સાથે 10 ટકા શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ગત વર્ષના પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.983ના ભાવમાં સીધો રૂ.20નો વધારો કરીને આ વર્ષે રૂ.1,003નો સર્વોચ્ચ આખરી ભાવ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ ભાવ વધારાની સંપૂર્ણ રકમ પશુપાલકોના બેંક ખાતામાં આગામી નિયમિત પગાર ચક્ર સાથે સીધી જમા કરી દેવામાં આવશે, જેનાથી લાખો પશુપાલક પરિવારોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે.
ડેરીની આર્થિક પ્રગતિની વિગતો આપતાં ચેરમેને સભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 80 ટકાના જંગી ઉછાળા સાથે રૂ.5,012 કરોડથી વધીને રૂ.9,043 કરોડે પહોંચ્યું છે. આ સાથે વાર્ષિક દૂધ સંપાદન પણ 101.98 કરોડ કિલોથી નોંધપાત્ર વધીને 132.67 કરોડ કિલોએ પહોંચ્યું છે. આ વિકાસયાત્રા દરમિયાન ડેરી દ્વારા રૂ.771 કરોડની નવી અસ્કયામતો અને મિલકતો પણ વસાવવામાં આવી છે. ડેરીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત સરકારની દૂધાળા પશુ યોજના હેઠળ 1,600 દૂધ ઉત્પાદકોને સીધો લાભ અપાવવામાં આવ્યો છે, જેના માટે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા તમામ લોન અરજીઓ મંજૂર કરીને તાત્કાલિક ધિરાણ પૂરું પાડવામાં આવ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2015-16માં ડેરી દ્વારા રૂ.102.46 કરોડનો ભાવવધારો આપવામાં આવ્યો હતો, જે વર્ષ 2025-26માં ચાર ગણો વધીને રૂ.455 કરોડના વિક્રમી આંકડે પહોંચ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દૂધનો મૂળ ભાવ રૂ.650થી વધીને રૂ.855 થવાના કારણે પશુપાલકોને કુલ રૂ.2,664 કરોડનો સીધો આર્થિક ફાયદો થયો છે. આ ઉપરાંત પશુપાલકોની સુરક્ષા માટે સામાન્ય વીમા રકમ રૂ.35 હજારથી વધારીને રૂ.1 લાખ અને અકસ્માત વીમા રકમ રૂ.1 લાખથી વધારીને રૂ.4 લાખ કરવામાં આવી છે. પશુ સારવાર માટેની વિઝિટ ફીમાં પણ રૂ.100નો મોટો ઘટાડો કરાતાં પશુપાલકોને વાર્ષિક રૂ.17 કરોડની માતબર બચત થઈ છે, જ્યારે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ થકી કુલ રૂ.175.86 કરોડની સહાય મેળવવામાં આવી છે.
ભવિષ્યના વિકાસ આયોજનો અંગે મહત્વની જાહેરાત કરતાં જણાવાયું હતું કે ખેરાલુ ખાતે અદ્યતન ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ કરી ખેડૂતો પાસેથી સીધા ઓર્ગેનિક શાકભાજી અને અનાજની ખરીદી કરવામાં આવશે. જગુદણ ખાતે હાઈવે પર એક વિશાળ ફૂડ પાર્કનું નિર્માણ કરાશે, જ્યાં ગ્રાહકો માટે રેડી-ટુ-ઈટ અને ઉચ્ચ ગુણવત્તાવાળી બેકરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બનાવાશે. ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપવા માટે મહેસાણા, ખેરાલુ અને પાટણ ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપીને પશુપાલકોના ઘરઆંગણેથી સીધું છાણ ખરીદવામાં આવશે. આ સાથે તમામ ગ્રામ્ય દૂધ મંડળીઓ ખાતે અમૂલ પાર્લર શરૂ કરવામાં આવશે, જેથી તેનો સંપૂર્ણ નફો સ્થાનિક મંડળીને મળી રહે. આગામી સમયમાં શ્વેતક્રાંતિને વધુ વેગ આપવા 1000 નવા આધુનિક તબેલાઓનું નિર્માણ, 10 હજાર એમ્બ્રિયો ટ્રાન્સફર અને 10 લાખ સેક્સ સીમેન ડોઝનો ઉપયોગ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.


