ગરવી તાકાત કડી : કડી શહેરમાં રાત્રે મુશળધાર વરસાદને કારણે થોળ રોડ પરના અંડરપાસમાં 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયો હતો. અંડરપાસમાં માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઇસર, અલ્ટો અને સ્કોર્પિયો સહિત 4 વાહન ફસાઈ ગયા હતા.ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, સ્કોર્પિયો ચાલક હર્ષદકુમાર ભોગીલાલ પંચાલનું કરુણ મોત નીપજ્યું હતો.
મહેસાણા ફાયર ટીમ અને નગરપાલિકાની ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સ્કોર્પિયો અને અલ્ટો કારને બહાર કાઢી. હર્ષદકુમારને કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ત્યારબાદ પોસ્ટમૉર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રવિવારે દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદની એન્ટ્રી થઈ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા પહેલા જ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.