મહેસાણા હાઇવેથી પાલાવાસણા તરફ જતાં આવેલ એસટી પીકઅપ સ્ટેન્ડ કાળજીના અભાવે ધૂળ ખાઈ ઉજ્જડ બન્યું છે. હાલ આ પીકઅપ સ્ટેન્ડ ઝૂંપડપટ્ટીની ઘરવખરી સામગ્રીનું આશ્રયસ્થાન બની ગયું છે. પરિણામે અહીં મુસાફરોએ પીકઅપ સ્ટેન્ડની જગ્યાએ ઝાડ નીચે વાહનની રાહ જોતાં ઊભું રહેવું પડે છે. ગોપીનાળાની બહાર રાધનપુર ચોકડી તરફનો રસ્તા પર આડેધડ વાહનો ઘૂસ મારે છે.શહેરના ગોપીનાળા, રેલવે સ્ટેશન રોડ અને રોટરી ભવન ત્રણેય સાઈડથી વાહનો રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના અાઇકોનિક રોડ ઉપર રોંગ સાઇડ સામે આવે છે. ગોપીનાળા બેરીકેટ ખુલ્લા રહેતાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. અહીં હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર અાવેલાં હોઈ વાહનોની ભરમાર રહેતાં સવારે અને સાંજે પીક અવર્સમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. ખાસ કરીને બ્લડ બેન્કથી ગોપીનાળા ચોકડી સુધીનો રસ્તો સાંકડો અને આ જ વિસ્તારમાં વધુ હોસ્પિટલ હોવાથી ટ્રાફિકની સમસ્યા ઘેરી બની હોવા છતાં સામ સામે વાહનોનું આવન જાવન ચાલુ રહેતાં વન વેનો અમલ માત્ર કાગળ ઉપર જ દેખાય છે. ગોપીનાળા ચોકડી પોલીસ પોઇન્ટ હોવા છતાં બેરીકેટ ખુલ્લા પડ્યા છે, જેથી બિન્દાસ વાહનો રોંગ સાઈડ ઘૂસી રહ્યા છે. રોટરી રોડ પરથી પણ રાધનપુર ચોકડી તરફ વાહનો આવે છે. રાધનપુર ચોકડીથી બસ સ્ટેશનમાં જવા માટે એસટી બસ આ રોડ પરથી પસાર થતી હોય છે, આવામાં સામેથી રોંગ સાઈડે વાહનો આવતાં હોય ટ્રાફિક થાય છે. કોમ્પ્લેક્સ અને હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો રહેતો હોય વાહનો પણ રોડ સાઈડ પાર્ક કરાય છે. ત્યારે વન વે રોડ જાહેર કરેલ હોવા છતાં તેની અમલવારી ન થવાના કારણે મુશ્કેલી વધુ બની રહી છે. જેથી ગોપીનાળા ચોકડી બેરીકેટ બંધ કરી વન વેનો અમલ જરૂરી છે. ભમ્મરીયા નાળા દીવાલ સાઇડ બી.કે. રોડ તરફ ગટરનો ભાગ ખુલ્લો રખાયો છે. અહીં રિક્ષા સ્ટેન્ડ છે, ત્યાં આવતાં મુસાફરોને દુર્ગંધમાંથી પસાર થવું પડે છે. ટી સ્ટોલ અને નજીકના શક્તિ કોમ્પલેક્ષના દુકાનદારોને પણ આખો દિવસ દુર્ગંધ આવતી હોઇ હેરાન છે


