યુનિવર્સિટી ખાતે પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે ત્રિરંગો લહેરાવી દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પૂજય સ્વ. શ્રી સાંકળચંદ દાદા તથા શહીદ વિરોને યાદ કરી શાબ્દિક શ્રન્ધાજલી આપી હતી
ગરવી તાકાત, વિસનગર તા. 16 – સમગ્ર દેશ આઝાદીના ૭૮ વર્ષની હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યો છે ત્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંકુલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ, પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાણી, રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી, તમામ કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ તથા સંસ્થાના તમામ કર્મચારીઓ, NSS વોલેન્ટીયર તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

યુનિવર્સિટી ખાતે પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે ત્રિરંગો લહેરાવી દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પૂજય સ્વ. શ્રી સાંકળચંદ દાદા તથા શહીદ વિરોને યાદ કરી શાબ્દિક શ્રન્ધાજલી આપી હતી અને ઉપસ્થિત સર્વેને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ખૂબજ ટૂંકા સમયમાં પ્રાપ્ત કરેલ ઉપલબ્ધિઓ બદલ તમામ સ્ટાફને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યુ હતું.

તેમજ યુનિવર્સિટીને દેશ અને રાજ્યની અગ્રેસર યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તે બદલ સર્વેને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલના હસ્તે સર્વે મહેમાનોની હાજરીમાં વધુ એક ‘રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ (રીચાર્જ વેલ)’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ ૯ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી “તિરંગા યાત્રા”, “એક પેડ માં કે નામ”, અને “હર ઘર તિરંગા” જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્વતંત્રતા પર્વની ઉજવણી યુનિવર્સિટી પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.


