ઉનાળાના આરંભે અને ચુંટણી ટાણે જ સસ્તા અનાજની દુકાનોએથી ખાંડનું વિતરણ નહીં થતા દેકારો
પુરવઠા વિભાગે ખાંડની ખરીદી જ કરી નથી! રેશનીંગમાં વિતરણ ન થતા દેકારો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 20 – ઉનાળાના આરંભે અને ચુંટણી ટાણે જ સસ્તા અનાજની દુકાનોએથી ખાંડનું વિતરણ નહીં થતા દેકારો બોલી જ ગયો છે ત્યારે એવા સંકેતો સાંપડયા છે કે પુરવઠા નિગમ દ્વારા ગરીબોને આપવાની થતી ખાંડની ખરીદી કરવાનું જ રહી ગયુ હતું અને હવે છેલ્લી ઘડીએ દોડધામ છે.

પુરવઠા વિભાગ દ્વારા અંત્યોદય તથા બીપીએલ કાર્ડધારકોને રાહતભાવની ખાંડનું વિતરણ કરવામાં આવતુ હોય છે. આ વખતે રેશનીંગના વેપારીઓએ ખાંડની ખરીદી પેટેના નાણાં ચુકવી દીધા હોવા છતાં નિગમ દ્વારા 70 ટકા સ્ટોક પહોંચાડવામાં આવ્યો નથી અને ગ્રાહકોને ધકકા ખાવાનો વખત આવ્યો છે.
રેશનીંગનાં વેપારીઓએ કહ્યું કે માંડ અમુક દુકાનદારોને જ થોડો ઘણો જથ્થો મળ્યો છે. અમુક દુકાનદારો પાસે ગત માસનો સ્ટોક હતો તેમાંથી વેચાણ કર્યુ છે. બાકી નવા મહિના પેટે અંદાજીત 70 ટકા સ્ટોક પહોંચાડાયો નથી.
કયારે જથ્થો મળશે તે વિ ગોડાઉન પરથી કોઈ જવાબ પણ આપવામાં આવતા નથી. ગ્રાહકો ખાંડ મેળવવા ધકકા ખાઈ છે. માલ ન મળતા વેપારીઓ સાથે માથાકુટ થાય છે. વેપારીઓએ તો નાણાં પણ ચુકવી દીધા છે.
દરમ્યાન સૂત્રોએ એમ કહ્યું છે કે વાસ્તવમાં પુરવઠા વિભાગે વિતરણ કરવાની ખાંડની ખરીદી જ કરી નથી તે પાછળનું કારણ અકળ છે. હવે દોડધામ શરૂ થઈ છે. ખાંડનો જથ્થો હવે કયારે મળે છે તેના પર રેશનીંગ વેપારીઓની મીટ છે.


