પ્રમુખ બનવા માટે છેલ્લા 15 દિવસથી ભાવિશાબેન પટેલ તૃષાબેન પટેલ અને ભૂમિકાબેન પટેલ સહિતના દાવેદાર ઉમેદવારોએ લોબિંગ કર્યું હતું
ગરવી તાકાત, મહેસાણા તા. 13- મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે તમામ રાજકિય સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યાં હતા. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે પાટીદાર, ઉપપ્રમુખ પદે ઠાકોર ક્ષત્રિય સમાજની સાચવી લઇ આગામી લોકસભાના સમીકરણને પણ ધ્યાનમાં લઇ પસંદગી કરી મેન્ડેટ આપવામાં આવ્યોં છે. આમ જિલ્લા પંચાયતની પસંદગી કરવામાં રાજકિય ગોડફાધરનું જોર ચાલ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

આગામી અઢી વર્ષની તમામ માટે મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે કોણ બેસે છે. તેના પર સૌની મીટ મંડાઈ હતી. જેમાં પ્રમુખ બનવા માટે છેલ્લા 15 દિવસથી ભાવિશાબેન પટેલ તૃષાબેન પટેલ અને ભૂમિકાબેન પટેલ સહિતના દાવેદાર ઉમેદવારોએ લોબિંગ કર્યું હતું. મહેસાણા જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મહિલા ઉમેદવારોમાં ધમાસાણ મચ્યું હતું. ત્યારે દાવેદાર મહિલાઓના પતિદેવોએ પોત પોતાની રીતે લોબિંગ કર્યું હતું પરંતુ મહેસાણા જિલ્લાના અને પ્રદેશમાં બેઠેલા મજબૂત ગોડફાધરનું જોર ચાલતા આખરે દેદિયાસણ બેઠકના મહિલા ઉમેદવારને પ્રમુખ પદ ફાળવવામાં આવ્યું છે. જ્યારે ક્ષત્રિય સમાજને સાચવવાના ભાગરૂપે ફરી એકવાર ઉપપ્રમુખ પદ પણ ગોઠવા બેઠકના ઠાકોર ઉમેદવારને અપાયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ માટે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની જ્યારે મહેસાણા નગરપાલિકા પ્રમુખ અને અન્ય હોદ્દાઓ માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સાંસદ શારદાબેન પટેલની મરજી ચાલી હોવાનું ચર્ચાયું હતું. જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની 13 સપ્ટેમ્બર બુધવારના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે મંગળવારના રોજ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટને આધારે જિલ્લા ભાજપ દ્વારા તમામ તાલુકા પંચાયત માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણીના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
જિલ્લાના અને રાજ્યમાં મંત્રી તેમજ સંગઠનના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા બંને નેતાઓ જિલ્લા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં પણ રસ લે તે સ્વાભાવિક હતું. આખરે દેદિયાસણ બેઠકના તૃષાબેન પટેલને ભાજપે પ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો હતો. બીજી તરફ પાટીદાર અને પ્રમુખ પદ અપાતા બેલેન્સ કરવા માટે ફરી એક વાર ઠાકોર સમાજને ઉપપ્રમુખ પદ આપીને ગોઠવા બેઠકના અરવિંદજી ઠાકોરને ઉપપ્રમુખનો મેન્ડેડ અપાયો હતો આ બધાની વચ્ચે વિજાપુર તાલુકામાં ગઈ ચૂંટણીમાં પણ પોતાનું કદ દેખાડનાર 68% વિસ્તાર કહેવાતા કુકરવાડા બેઠકના ભરત પટેલ ઉર્ફે દાઢી ને ચૂંટણી પૂર્વે જ મેન્ડેટ આપીને કારોબારી ચેરમેન તરીકે જાહેર કરી દેવાયા હતા.


