એસ.જી હાઇવે ઇસ્કોન બ્રીજ પાસે થયેલા સામાન્ય અકસ્માતની ઘટનામાં ટોળુ ભેગું થઇ માર મારી રહ્યું હતું અને ટોળા ઉપર પૂરપાટ કાર ચડાવી દઇ મોતનું તાંડવ સરજ્યું
રોડ પર લાશોના ઢગલા પરથી વહી રહેલા લોહીથી રોડ રંગાઇ ગયો
ગરવી તાકાત, અમદાવાદ તા. 20- બુધવારની મધરાત જાણે કેટલાંય પરિવારો માટે કાળમૂખા સમાચાર લઈને આવી. દિવસ પુરો થઈ ચુક્યો હતો. સુરજદાદા પણ પોઢી ગયા હતા. રસ્તા પરની લાઈટો પણ કેટલાંક ઠેકાણે વરસાદી માહોલને કારણે બંધ થઈ ગયેલી હતી. એવામાં મધરાતનો સમય અને અંધારપટ્ટમાં શાંત માહોલની વચ્ચે એકાએક સંભળાવા લાગી લોકોની ચીચીયારીઓ. વરસાદી પાણીને બદલે વહી રહ્યું હતું લોહી…જ્યાં જુઓ ત્યાં રસ્તા પડી હતી લોહીલુહાણ લાશો…

બુધવારે મધરાતે કંઈક આવી સ્થિતિ હતી અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પાસેની. અને બીજી તરફ ટોળુ ભેગું થઈને એક યુવકને માર મારી રહ્યું હતું. મેથીપાક ચખાડી રહ્યું હતું. ઉલ્લેખનીછેકે, અમદાવાદના એસ.જી.હાઈવે, પર મધરાત્રે એક એવો અકસ્માત થયો જેમાં રસ્તા પર ઉભેલાં 9 લોકોનો જીવ ગયો. માત્ર 20 મિનિટના અંતરે જ એક બાદ એક બે ઉપરાઉપરી અકસ્માત થયા છે. પહેલાં અકસ્માત બાદ લોકો રસ્તા પર શું થયું એ જોવા ઉભા હતા અને એટલાં જ કાળ બનીને સરખેજ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ગાડી તેમના પર ચઢી ગઈ. ત્યારે લોકો પણ હવે આ ઘટના અંગે કહી રહ્યાં છેકે, આ અકસ્માત નથી આ માલેતુજાર બાપના બેટાંએ કરેલી હત્યા છે!
આ અકસ્માત એટલો ભયાનક હતો કે પુર પાટ ઝડપે આવતી કાર જ્યારે ટકરાઈ ત્યારે લોકો 20 થી 30 ફૂટ સુધી ઉછડીને પટકાયા હતાં. દૂર દૂર સુધી લોકો ફંગોળાઈ ગયા હતાં. અમદાવાદમાં થયેલો આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક અકસ્માત છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, જ્યારે આ કારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 160 કિ.મી. કરતા પણ વધારે હતી. મોટા ઘરનો નબીરો તથ્ય રોડને રન વે અને કારને પ્લેન સમજીને ચલાવતો હોવાનું સામે આવ્યું. આ ઘટના બાદ લોકોએ મોંઘીદાટ કાર લઈને બેફામ ચલાવતા કાર ચાલકને ખુબ મેથીપાક ચખાડ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો.


