ધાર્મિક પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું
આમને સામને થયેલા હુમલામાં 12 લોકો સામે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 18- પાટણ જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદિત પોસ્ટના મામલાને લઈને પાછલી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી છે. બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં કરવા માટે બાલિસણા ગામમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચે બે દિવસથી ધાર્મિક પોસ્ટને લઈને વિવાદ હતો. પાછલી રાત્રે આ મુદ્દાના સમાધાન માટે બે પક્ષ ભેગા થયા હતા. આ દરમિયાન સ્થિતિ બગડી અને બંને પક્ષમાં સંઘર્ષ થઈ ગયો હતો. બંને પક્ષ તરફથી કુલ 12 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાના બાલિસાના ગામમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક ધાર્મિક પોસ્ટને લઈને વિવાદની સ્થિતિ હતી. 16 જુલાઈએ રાત્રે આ વિવાદનો ઉકેલ લાવવા માટે બંને મસ્જિદની બહાર ભેગા થયા હતા. ત્યારે આપસમાં શરૂ થયેલી દલીલોએ ઝગડાનું સ્વરૂપ લઈ લીધુ. ત્યારબાદ મારપીટ શરૂ થઈ હતી. તેમાં સાત લોકોને ઈજા પહોંચી હતી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષ તરફથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર અને સિવિલ હોસ્પિટલ પાટણ લઈ જવામાં આવ્યા છે.
ધાર્મિક પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બે જૂથ વચ્ચે ઘર્ષણને કારણે એસપી સહિત એલસીબી અને એસઓજી સહિત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને સ્થિતિને સંભાળી હતી. ઘટના બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે પણ દોષિ સાબિત થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


