અવાર નવાર ગાંધીનગરની સ્ટેટ ફૂડ વિભાગની ટીમ ખાદ્યપદાર્થોના ભેળસેળનો પર્દાફાશ કરે છે
મહેસાણા જિલ્લાના ફૂડ વિભાગના અધિકારીઓના કૂણા વલણથી ભેળસેળિયા બેફામ
Sohan Thakor – મહેસાણા તા. 28- મહેસાણા જિલ્લામાં ખાદ્યપદાર્થોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ રહી હોવાના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. મહેસાણા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમના અધિકારીઓના કૂણા વલણ અને ભાઇચારાની ભાવનાના કારણે ખાદ્ય પાદાર્થોમાં ભેળસેળ કરતાં તત્વોને કાયદા કાનૂનનો કોઇપણ જાતનો ડર કે ખોફ રહ્યો નથી. ભેળસેળિયા વેપારી બેખોફ થઇ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી નાગરીકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા કરી રહ્યાં છે. જ્યારે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાની જેની જવાબદારી છે તે અધિકારીઓ ‘આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા’ની નિતીના કારણે મહેસાણા જિલ્લામાં વેપારીઓ બેફામ બન્યાં છે. તે જોતાં ફૂડ વિભાગમાંથી મળતાં આંતરિક સૂત્રો દ્વારા મહેસાણા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાવવાના ભણકારા વાગી રહ્યાં છે.

જેમાં પણ ઊંઝા તાલુકામાં જીરામાં ભેળસેળની પ્રવૃતિ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. ઊંઝા જીરાના માર્કેટમાં સમગ્ર એશિયામાં નામના ધરાવે છે જેનો લાભ ભેળસેળિયા તત્વો ઉઠાવી રહ્યાં છે. અનેક વાર ઊંઝા તાલુકામાંથી ભેળસેળયુક્ત જીરુ ઝડપવાનો સિલસિલો વર્ષૌથી ચાલી આવ્યો છે અને હજુ પણ આ પ્રવૃતિઓ નિર્જન વિસ્તારોમાં ફેકટરીઓ બનાવી ભેળસેળની આ પ્રવૃતિઓ હજું પણ ધમધમી રહી છે.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં મરચું, હળદર, જીરુ, ઘી, માવા સહિતના અનેક ખાદ્ય પદાર્થોની ફેકટરીઓ ઝડપી પાડવામાં આવી છે. છતાં પણ ખોરાકમાં ભેળસેળ કરવાની આ પ્રવૃતિઓ જેમની તેમ ચાલતી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરીમાં હાલ ફૂડ ઇન્સપેક્ટર તરીકે એસ.કે. પ્રજાપતિ, એચ.વી. ગુર્જર, એસ.બી. પટેલ અને જે.ડી. ઠાકોર ફરજ બજાવે છે જ્યારે આ ઉપરાંત, એક મહિલા ફૂડ ઇન્સપેક્ટર મેટરનિટી લીવ પર છે. છતાં પણ ગાંધીનગરની સ્ટેટ ફૂડ વિભાગની ટીમને આ કામગીરી કરવી પડી રહી છે. અનેક વખત ગાંધીનગરની ટીમ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનો જથ્થો મહેસાણા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવે છે તે જોતાં મહેસાણા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાવવાના ભણકારા વાગી રહ્યાં છે.


