ગરવી તાકાત, મહેસાણા તા. 28- અગાઉ ડુંગળીના ભાવ આસમાને પહોચ્યાં હતા. ત્યારે ડુંગળીએ સફરજનની સાઇડ કાપી હતી ત્યારે હાલમાં ડુંગળીની સાઇડ ટામેટા કાપતાં ટામેટા લાલચોળ થયેલા જોવા મળી રહ્યાં છે. હાલ માર્કેટમાં ટામેટાનો ભાવ કિલોએ 120ના ભાવ બોલાઇ રહ્યાં છે.
ગૃહિણીઓના રસોડામાંથી ટમેટા ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા છે. તેનું કારણ છે ટમેટાના વધેલા ભાવ. બજારમાં ટમેટા 100 થી 120 રૂપિયાના કિલો થઈ ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટમેટાના ભડકે બળતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટમેટાના વધેલા ભાવ અસ્થાયી સમસ્યા છે અને તે ટૂંક સમયમાં જ ઘટી શકે છે. ટમેટાના વધતા ભાવને લઈને ઉપભોક્તા વિભાગના સચિવ રોહિત કુમારનું કહેવું છે કે ટમેટાના ભાવમાં ઉછાળો અસ્થાયી સમસ્યા છે. જે વરસાદના કારણે સર્જાઈ છે. દર વર્ષે આ સમય દરમિયાન આવું થાય છે. હાલ ટમેટાના ભાવ વધ્યા છે તેનું કારણ અચાનક આવેલો વરસાદ છે. પરંતુ ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઈ જશે.

દેશમાં અનેક વખત ડુંગળીએ સરકારોને રડાવ્યા બાદ હવે ટમેટામાં પણ લાલચોળ તેજીથી હવે ફરી એક વખત આવશ્યક શાકભાજી અને તેવા મૌસમી કૃષિ ઉત્પાદનોના સંગ્રહ તથા માર્કેટીંગ માટે નીતિ તૈયાર કરવા આદેશ અપાયા છે. હાલ બજારમાં ટમેટાનો ભાવ રૂા.100થી120 થયા છે અને હજુ ચોમાસુ આગળ ધપી રહ્યું હોવાથી નવો પાક નહી આવે
ત્યાં સુધી ટમેટાની અછત રહેશે અને ભાવમાં વધારો થશે તેવા સંકેત છે. હજુ જૂનના મધ્યમાં ટમેટા રૂા.40-50 પ્રતિ કિલો અને તેનાથી પણ સસ્તા વેચાતા હતા પણ અચાનક જ જે રીતે માર્કેટમાં તેજી આવી તેનાથી ટમેટાના ભાવમાં અસાધારણ વધારો નોંધાયો છે. હવે કેન્દ્ર સરકારે ઝડપથી બગડતા આ કૃષિ ઉત્પાદન માટે સંગ્રહ તથા માર્કેટીંગ સહિતની નીતિ બનાવવા માટે નિર્ણય લીધો છે તો તામિલનાડુ સરકારે રાજયમાં ફાર્મ ફ્રેશ આઉટલેટ મારફત રૂા.60 પ્રતિ કિલોના ભાવે ટમેટા વેચવા નિર્ણય લીધો છે.


