મહેસાણા એલસીબીની ટીમે વિદેશી શરાબ સાથે 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી
મેવડ ટોલ નાકા પાસે આડશો મુકી નંબર વિનાની ઇકો કારને અટકાવી હતી
Sohan Thakor – મહેસાણા તા. 31- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા હાઇવે મેવડ ટોલ નાકા પાસેથી વિદેશી શરાબ ભરીને પસાર થતી નંબર વિનાની ઇકો કારને અટકાવી તેમાંથી વિદેશી શરાબ તથા બીયરના ટીન મળી કુલ રુ. 3.40 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકની અટકાયત કરી હતી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એચ.એલ.જાેષીનાઓની એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલિપસિંહ, આશાબેન, સાબીરખાન, રાકેશસિંહ, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ કામગીરીમાં હતો તે દરમિયાન સાબીરખાન અને ભાવિકકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા હાઇવે તરફથી વિદેશી શરાબનો જથ્થો ભરીને એક ઇકો કાર પસાર થવાની છે.
જેના આધારે મહેસાણા એલસીબી ટીમે મહેસાણા હાઇવે મેવડ ટોલ નાકા પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન બાતમીવાળી નંબર વગરની ઇકો કાર પસાર થતાં એલસીબીએ રોડ વચ્ચે આડશો મુકી દઇ કારને અટકાવી હતી. કારમાં સવાર મંગલભાઇ કેવાજી ઠાકોર રહે. માનપુરીયા તા. અમીરગઢવાળાને પકડી કારમાં તપાસ કરતાં કારમાં વિદેશી શરાબ તથા બિયરના 35 હજારની કિંમતનો જથ્થો ભરેલ હોઇ કારનો કબજો લઇ કુલ રુ. 3.40 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી લીધો હતો.


