ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને સંકલ્પ ધરણા પૂર્વે જ પોલીસે ઉઠાવી લીધા
કેન્દ્ર સરકારના પગલા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગરવી તાકાત, ગાંધીનગર તા.27 – કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી રાતોરાત ગેરલાયક કરવાના કેન્દ્ર સરકારના પગલા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં સત્યાગ્રહ-સંકલ્પ ધરણા યોજવામાં આવ્યા હતા. જો કે, તમામ શહેરોમાં કોંગ્રેસ કાર્યકરો ધરણા યોજે તે પુર્વે જ તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મહેસાણા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. 
અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોરબંદરમાં સીનીયર નેતા અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનોને પોલીસે ઉઠાવી લીધા હતા. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો સત્યાગ્રહ શરૂ કરે તે પુર્વે જ 22 આગેવાનો-કાર્યકરોની અટક કરીને કાર્યક્રમ વિખેરી નાખવામાં આવ્યો હતો. વડોદરામાં આજે ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષી, મહાનગરપાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવત, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર રાવત સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર ગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જો કે, તે લોકો ધરણા પ્રદર્શન શરૂ કે તે પહેલા જ પોલીસ દ્વારા 25થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 
કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, અમે આંદોલન કરતા હતા. અમે 2017ની લડાઈ લડી રહ્યા છે. ભાજપ આટલું કેમ ગભરાય છે કે પોલીસને સામે કરે છે. અમારા નેતા રાહુલ ગાંધીના અમે સમર્થનમાં છીએ. ભાજપ એટલું ગભરાય ગયું છે કે રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં બોલાવી રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી દીધું. અદાણી માટે જવાબ આપવા તૈયાર નથી. જેણે આ દેશમાં કરોડોના કૌભાંડ કરનાર નીરવ મોદી, વિજય માલ્યા કે જે દેશની બહાર જતા રહ્યા તેમને નથી પકડતા. અને અમે જે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છે. રાહુલ ગાંધી કે જે પ્રજાના પ્રશ્ન માટે લડે છે. માટે આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ રવિવારે રાહુલ ગાંધી સામે કરાયેલી કાર્યવાહીના વિરોધમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ધરણાં સ્થળે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગી આગેવાનો પહોંચે તે પહેલા જ પોલીસનો કાફલો ખડકાઈ ગયો હતો. સંકલ્પ ધરણાં કરવા જતા અગાઉ તો કોંગી આગેવાનોની સેવાશ્રમ રોડ પરથી જ પોલીસે અટકાયતનો દોર શરૂ થઈ ગયો હતો. પોલીસ દ્વારા 30થી વધુ કોંગી આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યાગ્રહનો માર્ગ અપનાવી દેખાવ કરવામાં આવ્યા હતા. સત્યમાં શકિત છે, સત્યાગ્રહમાં સંકલ્પ છે, કોંગ્રેસનો દરેક કાર્યકર લોકશાહીની રક્ષા કરવા રાહુલ ગાંધીની સાથે છે. કોંગ્રેસના કાર્યકરોની સત્યાગ્રહ દરમ્યાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


