અંબાજી મંદિરના સંચાલનકર્તાઓએ રાજ્ય સરકારની દરમિયાનગીરીથી લાંબા સમયથી ચાલતાં પ્રસાદ વિવાદનો વચલો રસ્તો કાઢી અંત આણ્યોં
યાત્રાધામ અંબાજી આવતાં ભક્તોની પસંદગી મોહનથાળનો પ્રસાદ લેવો કે ચિકીનો પ્રસાદ
ગરવી તાકાત, અંબાજી તા. 14 – છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા અંબાજી યાત્રાધામ ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ કરવામાં આવતાં આ મુદ્દે હિન્દુ સંગઠનો સહિત અનેક સંઘો સહિત ભક્તો દ્વારા ચિકીના પ્રસાદનો વિરોધ કર્યો હતો.
જે વિરોધ હાઇકોર્ટ સુધી પહોંચવાના આણે હતો દરમિયાન રોજ બરોજ વિવાદ વકરતો જતો હતો જેનો આખરે અંબાજી મંદિરના સંચાલકોએ ચિકીના પ્રસાદનો વિરોધ કરી રહેલા વિરોધીઓને કરારો જવાબ આપી ‘‘ તેરી ભૂ ચૂપ મેરી ભી ચૂપ’’ મોહનથાળ અને ચિકી બંનેનો પ્રસાદ રાખી પ્રસાદ વિવાદનો વચલો રસ્તો કાઢી આખરે આ વિવાદનો અંત આણ્યોં હતો. જ્યારે વધુમાં યાત્રાધામ અંબાજી આવતાં ભક્તોની પસંદગી મોહનથાળનો પ્રસાદ જોઇતો હોય તો મોહનથાળનો પ્રસાદ અને ચિકીનો પ્રસાદ જોઇતો હોય તો ચિકીનો પ્રસાદ મળી રહેશેનો નિર્ણય લઇ વિવાદના છેડાયેલા મધપૂડા ઉપર ઠંડુ પાણી રેડી દીધું.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં અંતે ભક્તોની આસ્થાની જીત થઈ છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બદલવાનો નિર્ણય બદલવો પડ્યો છે. મોહનથાળનો વિવાદ વધુ ગરમાતા રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી. જેમાં મોહનથાળ ચાલુ રાખવો કે અંગે બેઠક કરીને નિર્ણય લેવાયો છે. ત્યારે હવે મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે. આ સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ રાખવામાં આવશે. એ ભક્તોની ઈચ્છા રહેશે કે, તેઓ કયો પ્રસાદ ખરીદે છે.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક મળી હતી. જેમાં અંબાજી મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોહનથાળના પ્રસાદને યથાવત રાખવાની જાહેરાત કરી હતી. ઋષિકેષ પટેલે કહ્યું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. પરંતુ ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. મોહનથાળની ક્વોલિટીમાં સુધારો કરવામા આવશે. તેની સાથે જ વધારામાં સુખડીનો પ્રસાદ પણ ઉમેરાશે.
મંદિરના મુખ્ય ભટ્ટજીએ કહ્યું કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ રહેશે. માવા અને સિંગની સુખડી પણ ચાલુ રહેશે. પ્રસાદ તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મોહનથાળ પ્રસાદ બંધ કરવાના નિર્ણય અંગે અમને ધ્યાન નથી. તો મંત્રી ઋષિકેષ પટેલે કહ્યું કે, આસ્થા એ વિશ્વાસ સાથે જોડાયેલો વિષય છે. મોહનથાળ 35 -37 વર્ષની મંદિરની પ્રસાદ વ્યવસ્થાનો ભાગ હતો. મોહનથાળની ગુણવત્તા અંગે જે સૂચનો અને ફરિયાદ મળી એ બાદ ફેરફાર કરાયો હતો. હવે ગુણવત્તા મામલે જે સૂચનો મળ્યા છે એ મુજબ યોગ્ય ગુણવત્તા જળવાય એ મુજબ કરીશું.


