હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે.
અરજી માટે સરકારી કચેરીના ધકકામાંથી અરજદારોને મુક્તિ મળશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 02 – ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા વધુને વધુ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે. તેમાં હવે હયાતીમાં હકક દાખલ કરવાની અરજી પણ ઓનલાઇન કરી શકાશે. ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે. આ નિર્ણય ના કારણે હવે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપથી નોંધ થઈ શકે મહેસૂલ વિભાગ આ અંગે વિસ્તૃત વિગતો સાથે એક પરીપત્ર જાહેર કર્યો છે.જેને લઈને હવે અરજદારોને હવે મહત્વની ગણાતી આ અરજી માટે કચેરીના ધક્કા ખાવા બંધ થશે. 
હક્કપત્રકને ફેરફાર રજીસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે મિલ્કત-જમીનમાં જે ફેરફાર થાય છે. ત્યારે આ પ્રક્રિયા અનુસરવાની હોય છે. જેમાં વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર-મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરાઈ છે તે પ્રમાણે ત્રણ મહિનામાં ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી-ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવી ફરજિયાત હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો દંડ પણ થતો હોય છે.
મિલ્કત નોંધણી માટે વેબ એપ્લીકેશન ’Garvi’ના માધ્યમથી સબ રજીસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ થાય છે. હવે આ સેવા ઉમેરાઇ છે. ઉલ્લેખનીય છે કે એપ્લીકેશન મારફત નોંધણી ફી, ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજની પ્રક્રિયા, લગ્નની નોંધણી પ્રક્રિયા, પ્રમાણીત નકલ, ઇ-સ્ટેમ્પીંગ, લોન ધિરાણ માટેની પ્રક્રિયા, ઓનલાઇન ફંડ લોડીંગ, કેશની કાર્યવાહી, લેન્ડ ગ્રેબીંગ, જમીન સંપાદન, કયુઆર કોડ સાથેની નકલો, ઇ-ધરા, ઓટો મ્યુટેશન, રેન્વયુ કેસનું ડિઝીટલાઇઝેશન સહિતની સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે.


