કડીના થોળ ગામે પત્નીના પ્રેમીની હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ બાવલું પોલીસે નિષ્ફળ બનાવ્યોં
ચાર દિવસ અગાઉ પત્નીના પ્રેમીને જીપડાલાની જોરદાર ટક્કર પતિએ મારી મોત નિપજાવ્યું હતું
મૃતકના પરિવારજનોની શંકાના આધારે બાવલું પોલીસે હત્યારાને ઝડપી ગુનાનો ભેંદ ઉકેલી દીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – કડી તાલુકામાં પત્નીના પ્રેમના ચક્કરમાં પતિ અને પ્રેમીના જીવન બરબાદ થઇ ગયાની ઘટના સામે આવી છે. હત્યારા પતિની પત્ની તેના પતિ સાથે અવાર નવાર ઝઘડા થતાં હોઇ તે પોતાના પિયર થોળ રહેતી હતી. ત્યારે અહીં અન્ય યુવક સાથે આંખ મળી જતાં પ્રેમસંબંધ બંધાયો હતો આ પ્રેમ પ્રકરણની જાણ પતિને થઇ હતી. જેમાં પત્નીના પ્રેમીએ જ ફોટા વિડીયો પતિને બતાવ્યાં હતા. જેથી ચાર દિવસ અગાઉ પતિએ પ્રેમીને પતાવી દેવાનો પ્લાન ઘડી જીપડાલાની ટક્કર મારી મોત નિપજાવ્યું હતું અને આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસ કર્યો હતો પરંતુ બાવલું પોલીસે સમગ્ર હત્યા પ્રકરણનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો. 
કડી તાલુકાના થોળ ગામે રહેતા અનિલજી ધનાજી ઠાકોર રહે. થોળ ટેબાવાસની પત્ની અને અનિલજી વચ્ચે અવાર નવાર બોલાચાલી અને ઝઘડા થતાં હોઇ તેથી અનિલજી ઠાકોરની પત્ની વારંવાર રીસાઇને તેના પિતાના ઘરે જતી રહેતી હતી. આ દરમિયાન અનિલજીની પત્નીને થોળ ગામે જ રહેતા સુરેશજી જેસંગજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો. આ દરમિયાન અનિલજી ઠાકોરને સુરેશજી ઠાકોર મળ્યાં હતા જેથી સુરેશજી ઠાકોરે અનિલજીની પત્ની સાથે પ્રેમ સંબંધના ફોટા, રેકોર્ડિંગ તેમજ વિડીયો અનિલજી ઠાકોરને બતાવ્યાં હતા. જેને અનિલજી ઠાકોર ધુઆ પુઆ થઇ ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ અનિલજી ઠાકોરના મનમાં બદલો લેવાની ભાવના તીવ્ર બની હતી અને સુરેશજી ઠાકોરનું કાસળ કાઢી નાખવાનો પ્લાન તેના મગજમાં આવ્યોં હતો. જેથી હત્યાના પ્લાન મુજબ પીકઅપ ડાલાની ટક્કર મારી હત્યા કરવાનું અનિલજીએ નક્કી કર્યુ હતું જેથી સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તુટે તેવો પ્લાન બનાવી હત્યાની ઘટનાને અંજામ આપવાનું નક્કી કર્યુ હતું. 
આ દરમિયાન અનિલજી ઠાકોર સુરેશજી ક્યા કેટલા વાગે નીકળે છે તે તમામ માહિતી મેળવી લીધી હતી અને આ પ્લાન મુજબ સુરેશજી ઠાકોરનો પીછો કર્યો હતો અને અનિલજી ઠાકોર પીક ડાલુ લઇને થોળ ચોકડી તરપથી રોડ ક્રોસ કરી રહેલા સુરેશજી ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સુરેશજી ઠાકોરને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી હાજર લોકોના ટોળાએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચાડ્યાં હતા. જ્યાં સુરેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત બાબતે બાવલું પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન મૃતક પરિવારજનોના નિવદેન લેતી બાવલું પોલીસને મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મોતની ઘટના નથી પરંતુ આ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેને પગલે બાવલું પોલીસની ટીમે શંકાના આધારે ગુનાના ભેદ સુધી પહોંચવાની પ્રયાસની દિશામાં સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતકને અનિલજી ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેનો બદલો લેવાના આશયથી ઠાકોર અનિલજી ધનાજી નામના શખ્સે જ પીક અપ ડાલાથી ટક્કર મારી આ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યારા અનિલજીનો આશય હત્યાની ઘટનાને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને બાવલું પોલીસે માત્ર ચાર દિવસના ટુંકા ગાળામાં હત્યાની કડી સુધી પહોંચી હત્યાની ગુનાનો ભેદ ઉકેલી દેવામાં સફળતાં મેળવી હતી.


