ગરવી તાકાત, ગાંધીનગર તા. 21 – ગુજરાતમાં નવા પોલીસ વડા તરીકે હવે નિયુકિત માટેની ફાઇલ ગાંધીનગરથી દિલ્હી પહોંચી ગઇ છે. તે સમયે જે નામો દિલ્હી પહોંચ્યા છે તેની ચર્ચા શરૂ થઇ છે જેમાં હાલ ડેપ્યુટેશન પર રહેલા સીનીયર
આઇપીએસ અધિકારી અતુલ કરવલ નું નામ સૌથી મોખરે હોવાનું ચર્ચામાં આગળ આવતા જ હવે પોલીસ બેડામાં પણ અને પોલીટીકલ વર્તુળોમાં પણ અતુલ કરવલના નામની ચર્ચા તેજ બની છે.
વાસ્તવમાં કરવલની છાપ અત્યંત કડક અધિકારી તરીકેની છે અને તેઓનો નો-નોનસેન્સ ઓફિસર ગણાય છે જેની સામે ખોટી વાત તો શું સામાન્ય ફેવર માટે પણ જવામાં જોખમ લાગે છે હવે તેઓને રાજયમાં નવા પોલીસ વડા બનાવાય તો પોલીસ બેડામાં તો ટેન્શન સર્જાશે જ તો સાથોસાથ પોલીટીકલ વર્તુળોમાં પણ ચિંતા વધશે કે આ અધિકારી અત્યાર સુધી જે રીતે કામ કર્યુ છે તે બાદ હવે તેમને કોઇ છંછેડવાનો સાહસ કરે તેમ નથી.
વાસ્તવમાં ભાજપમાં હવે છેક મંત્રીમંડળથી લઇને ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1-2માં જે રીતે કામકાજ ચાલી રહ્યું છે તેમાં ભાજપના નેતાઓને ગાંધીનગર ફેરા બંધ થઇ ગયા છે. અગાઉ દર સોમ-મંગળવાર રાજયભરમાંથી અર્ધુ ભાજપ ગાંધીનગર પહોંચી જતું હતું અને પોતપોતાના લાગતા વળગતા મંત્રીઓની ચેમ્બરમાં અડિંગો જમાવીને પોતાના કામ કઢાવી લેતું પરંતુ હવે તે બંધ થઇ ગયું છે.
એટલું જ નહીં મંત્રીઓ માટે પણ જે રીતે કડક સૂચનાઓ આવી ગઇ છે તેથી તેઓ પણ કાર્યકર્તાઓને વધારા ભાવ આપવા તૈયાર નથી અને તેના કારણે અનેકની દુકાનો પણ બંધ થઇ ગઇ છે તે સ્થિતિમાં પોલીસ બેડામાં આ રીતે કડક અધિકારી આવે તો પછી ભાજપના કાર્યકર્તાઓને પ્રજાની સેવા કેમ કરવી તેની ચિંતા વધી ગઇ છે.


