તમામે તમામ ક્ષેત્રોના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા : કોરોના ઉપરાંત આર્થિક મંદી અને વ્યાજદર વધારાનો ગભરાટ
સેન્સેકસ 900 પોઈન્ટ ગગડી 60000, નિફટી 300 પોઈન્ટ ગગડી 18000ની નીચે
મુંબઈ તા. 23 મુંબઈ શેરબજારને કોરાનો વળગ્યો હોય તેમ મંદીનો દોર જારી રહ્યો હતો આજે પણ વધુ કડાકા-ભડાકા હતા. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીનાં તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. સેન્સેકસ 900 પોઈન્ટથી અધિક ગગડીને 60,000 ની નીચે જયારે નીફટી 300 પોઈન્ટથી વધુ ગગડીને 18000 ની નીચે સરકી ગયો હતો. સ્મોલકેપ ઈન્ડેકસમાં તો 1000 પોઈન્ટથી અધિકનો કડાકો સર્જાયો હતો. સાર્વત્રીક ગભરાટભરી વેચવાલીથી તમામ વર્ગોનો માલ ફુંકાતો રહ્યો હોય તેવી હાલત હતી.
શેરબજાર કેટલાંક વખતથી આર્થિક મંદી જેવા નેગેટીવ કારણોને ડીસ્કાઉન્ટ કરતું રહ્યું હતું પરંતુ હવે તમામ પરિબળોની એકસામટી અસર વર્તાવા લાગી હોય તેમ મંદીનો દૌર શરૂ થયો છે. છેલ્લા સાત દિવસમાં શેરબજારમાં ઈન્વેસ્ટરોએ 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.જયારે એક જ દિવસમાં 6 લાખ કરોડનુ ધોવાણ થયુ હતું. મુંબઈ શેરબજારમાં લીસ્ટેડ તમામ કંપનીઓનુ માર્કેટ કેપીટલાઈઝેશન ઘટીને 275.01 લાખ કરોડ થઈ ગયુ હતું. જે ગઈકાલે અંદાજીત 281 લાખ કરોડનું હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને થઈ હતી. વૈશ્ર્વીક નબળાઈ ઉપરાંત ઘરઆંગણે કોરોનાના ગભરાટથી વેંચવાલીનો મારો રહેતા તમામે તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા પડતા રહ્યા હતા. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીથી દબાણ વધ્યુ હતું.નાના ઈન્વેસ્ટરોનો પણ માલ ફુંકાતા રોકડાના શેરોનો પણ ભૂકકો બોલી ગયો હતો. તમામ મીડકેપ-સ્મોલકેપ શેરો ગગડયા હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે કોરોનાના ગભરાટ ઉપરાંત વૈશ્ર્વીક આર્થિક મંદીની આશંકા તથા આવતા મહિનાઓમાં પણ વ્યાજદરમાં વધારાનો દોર ચાલુ રહેવાના નિર્દેશોથી વિપરીત અસર પડી હતી. આ ત્રણેય કારણોથી માર્કેટ વધુને વધુ મંદીમાં ધકેલાતું રહ્યું હતું.
શેરબજારમાં આજે હિન્દ લીવર, ઈન્ડૂસ ઈન્ડ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી, નેસ્લે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ. એશીયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટ, હિન્દાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, ટીસ્કો સહિતના શેરોમાં ગાબડા પડયા હતા. છેલ્લા દિવસોમાં ઉંચકાયેલા આઈઓબી, સેન્ટ્રલ બેંક, યશ બેંક, સુઝલોન, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક સહિતના નાના શેરોમાં પણ કડાકા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 924 પોઈન્ટના કડાકાથી 59901 હતો જે ઉંચામાં 60546 તથા નીચામાં 59887 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 303 પોઈન્ટ ગગડીને 17824 હતો જે ઉંચામાં 18050 તથા નીચામાં 17816 થયો હતો.


