ગરવી તાકાત, મહેસાણા – શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-૧૭/૧૨/૨૦૨૨ ના રોજ ધો -૧૧ અને ૧૨ ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યો અને જીવન ઘડતર માટે “વાલી- વિદ્યાર્થી-શિક્ષક ગોષ્ઠી” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને શોભાવવા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગરના પ્રમુખશ્રી કે. કે. ચૌધરી, મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી. ચૌધરી, મંત્રીશ્રી જે. ડી. ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ. બી. ચૌધરી વગેરે હોદ્દેદારશ્રીઓ તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
આ કાર્યક્રમના અનુસંધાને ઉત્તરવહી નિદર્શન કાર્યક્રમમાં ધોરણ વાઈઝ અલગ અલગ સ્ટોલ બનાવી વિષય શિક્ષકશ્રીઓએ વાલીઓ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ વાર્ષિક પરીક્ષા તથા એકમ કસોટીઓના પરિણામ અંગે, શૈક્ષણિક મૂલ્યો, જીવન ઘડતર, અભ્યાસમાં નિયમિતતા, શિસ્ત વગેરે વિશે પ્રત્યક્ષ વાર્તાલાપ કર્યો હતો.
“વાલી- વિદ્યાર્થી ગોષ્ઠી” કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક પ્રવચનમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં “વિદ્યા વિનયથી શોભે છે” એ ઉક્તિને સાર્થક કરતા વિદ્યાર્થીઓનાં જીવન ઘડતરમાં શિક્ષક તથા માતા- પિતાનો અમૂલ્ય ફાળો રહેલો છે એ વિશે સદ્દૃષ્ટાંત પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને તથા વાલીઓને અભિભૂત કર્યાં હતા. આ કાર્યક્રમમાં અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમ સમગ્ર કાર્યક્રમ પ્રમુખશ્રી તથા આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર રહ્યો હતો. તથા કાર્યક્રમનું સફળ આયોજન થવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.


