— પ્લોટ ન મળતાં હોવાના અને ખોટી રીતે લેન્ડ ગ્રેડીંગના કાયદાથી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ..
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકોને રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં ન આવતાં હોવાનું અને જાતિવાદી માનસિકતા રાખીને ગ્રામ પંચાયતો દ્વારા પ્લોટ ફાળવણીમાં અનુસુચિત જાતિ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની રાવ સાથે આજે બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
બનાસકાંઠા જીલ્લા કલેકટરને આજે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના લોકોને રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં ઘણા સમયથી આવતા નથી. ગ્રામપંચાયતો જાતિવાદી માનસિકતા રાખીને પ્લોટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે.
અનુસુચિત જાતિના લોકોને નાછુટકે રહેણાંક માટે દબાણ કરીને વસવાટ કરવો પડે છે. જેથી આવા લોકોને હેરાન કરવા અને આ જગ્યા હટાવવા માટે લેન્ડ ગ્રેબિંગના કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. જિલ્લામાં કેટલાય ભૂમાફિયાઓના ગેરકાયદેસર મોટા દબાણો છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની કોઈ જ કાર્યવાહી ન થતાં અનુસૂચિત જાતિના લોકો સામે આ કાયદાનો દુરૂપયોગ કરી હેરાનગતિ કરાય છે
તાજેતરમાં ડીસા તાલુકાના કોચાસણા તેમજ રતનપુર (ભીલડી) ગામે લેન્ડ ગ્રેબિંગની અરજીઓ દાખલ થયેલ છે તે અનુસૂચિત જાતિ અને અન્ય સમાજના લોકોને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવે અને રહેણાંક માટે દબાણ કરનારા લોકો માટે યોગ્ય તપાસ કરીને લેન્ડગ્રેબિંગના કાયદાનું અમલીકરણ થાય તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


