ભારતીય જનતા પાર્ટીના સાંસદ સહીતના નેતાઓએ ભાજપના ભ્રષ્ટ નેતા સામે મોરચો માંડ્યો છે. જેમાં પાટણ લોકસભાના સાસંદ ભરતસીંહ ડાભી, વિસનગર તાલુકા પુર્વ પ્રમુખ કેશુભાઈ ચૌધરી, માનસીંહભાઈ સહીતના આગેવાનોએ મુખ્યમંત્રીને મળી મહેસાણા ભાજપના ભ્રષ્ટાચારી ઉપપ્રમુખ તથા ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખા ચાચરીયા વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા રજુઆત કરી છે. ભીખા ચાચરીયાએ નવિન એપીએમસીના બાંધકામમાં ગેરરીતી આચરી કરોડો રૂપીયા ઘરભેગા કર્યા હોવા છતાં તેમની વિરૂધ્ધ સરકારી દ્વારા તંત્ર કોઈ પગલા ભરવામાં નથી આવ્યા. આ સીવાય ચાચરીયા પર વડનગરમાં પણ ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ ઉભુ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે.
ખેરાલુમાં બનેલ નવિન એપીએમસીમાં ચેરમેનના પદનો દુરૂપયોગ કરી ભીખા ચાચરીયાએ કરોડો રૂપીયા ચાઉ કરી ગયા છે. જેમાં તેમની પર બાંધકામ સહીત બજાર સમીતીમાં શોપના માલીકોને મળવાપાત્ર સહાય પણ ઘરભેગી કર્યાનો આક્ષેપ છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને પાટણના સાંસદ ભરતસીંહ ડાભીએ તેમની વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. ડાભીએ આ ગોટાળામાં ચાચરીયા વિરૂધ્ધ અનેક રજુઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.

ચુંટણી પહેલા પાર્ટીને ફટકો પડી શકે છે ?
એક તરફ વિધાનસભાની ચુંટણી તથા ખેરાલુ એપીએમસીની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પણ ચુંટણીની તૈયારી શરૂ કરી છે. પરંતુ આ તરફ મહેસાણા જીલ્લા ભાજપમાં અંદરો – અંદર વિખવાદ સપાટી પર આવી રહ્યો છે. ત્યારે ખેરાલુ એપીએમસીના ચેરમેન ચાચરીયા વિરૂધ્ધ ભાજપના જ આગેવાનો વારંવાર રજુઆત કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ નહી થતાં પાર્ટીમાં ભંગાણના એંધાણ જણાઈ રહ્યા છે. ચાચરીયાના ભ્રષ્ટાચાર મામલે સાસંદ ભરતસીંહ ડાભી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી સહીતના નેતાઓએ ફરિવાર મુખ્યમંત્રીને રજુઆત કરી તેની વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ભીખા ચાચરીયાના માથે પ્રદેશના મોટા નેતાનો હાથ હોઈ આજદિન સુધી તેમના ખુલ્લા ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવો આરોપ ડાભીએ કર્યો છે.
આ સીવાય હવે આગામી સમયમાં ખેરાલુ એપીએમસીની ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પાર્ટી આવા ભ્રષ્ટાચારી નેતાને ફરીવાર મેન્ડેટ(સપોર્ટ) આપે છે કે કેમ તે આવનારો સમય બતાવશે. જે રીતે ડાભી સહીતના નેતાઓ ખુલીને ચાચરીયા વિરૂધ્ધ કાર્યવાહી માંગ કરી રહ્યા છે તેને જોતા એવુ જ લાગી રહ્યુ છે કે, આગામી ચુંટણીમાં ભીખા ચાચરીયાને પોતાની જ પાર્ટીના નેતાના વિરોધનો સામનો કરવો પડશે. જેથી પાર્ટી હાઈકમાન્ડ આ પ્રકારના ભંગાણને રોકવા ચાચરીયાના માથેથી સપોર્ટ પાછો ખેંચી શકે છે.
લેન્ડ ગ્રેબર ભીખા ચાચરીયા વિરૂદ્ધ ગુનો દાખલ થશે ખરા ?
અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતે ધરોઈ ડેમની સરકારી જમીન પર ગેરકાનુની રીતે કબ્જો કરી ગેસ્ટ હાઉસ ઉભુ કરી દીવાનો પણ મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે લેન્ડ ગ્રેબીંગનો કાયદો અપરાધીઓ માટે લાવી હતી તે કાયદાની પ્રેક્ટિસ પોતાના જ નેતા ઉપર કરશે ખરી ?