વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને પ્રવાસન વિભાગ દેશનું પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોઇન્ટ બનાવી રહ્યું છ
2700 વર્ષ જૂનું વડનગર દેશનું પ્રથમ ઇન્સ્પિરેશનલ ડેસ્ટિનેશન વિલેજ બનવા માટે તૈયાર છે
5થી 6 કલાકમાં ઇન્સ્પિરેશનલ ડેસ્ટિનેશન વિલેજનાં પ્રવાસન સ્થળો ફરી શકાશે
ગરવી તાકાત, વડનગર તા. 17- 2700 વર્ષ જૂનું વડનગર દેશનું પ્રથમ ઇન્સ્પિરેશનલ ડેસ્ટિનેશન વિલેજ બનવા માટે તૈયાર છે. અમદાવાદથી 110 કિલોમીટર દૂર 27 હજારની વસ્તી ધરાવતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને પ્રવાસન વિભાગ દેશનું પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પોઇન્ટ બનાવી રહ્યું છે.
હાલ 60થી 70 ટકા સુધી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી પહેલાં તમામ કામ પૂરાં થઈ જશે. પ્રવાસીઓ રેલવે સ્ટેશનથી ઉતરીને પાથ-વે પરથી સીધા અંબાજી કોઠા તળાવ, લટેરી વાવ, કીર્તિ તોરણ, થીમ પાર્ક, શર્મિષ્ઠા તળાવ, આર્ટ ગેલેરી, બૌદ્ધ મોનેસ્ટ્રી, અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમ, પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર વગેરેની મુલાકાત લઈ શકશે. વિવિધ પાથ-વેની બાજુમાં ફૂડ સ્ટોલ્સ તો ધ્યાન માટે મેડિટેશન સેન્ટર બની રહ્યાં છે.


શર્મિષ્ઠા તળાવ – અમદાવાદના રિવરફ્રન્ટની તર્જ પર આ તળાવને વિકસાવવામાં આવી રહ્યું છે. તળાવની આસપાસ 3.5 કિલોમીટરનો વૉક-વે છે. વચ્ચે ટાપુ બન્યો છે. આ ઉપરાંત વડનગરનાં ચારેય મોટાં તળાવને મર્જ કરીને નવો આકાર આપવામાં આવી રહ્યો છે. વડનગરમાં એક સમયે આવાં 360 તળાવ હતાં.
ધ્યાનકેન્દ્ર-થીમ પાર્ક – તળાવના કિનારે જ્ઞાન-ધ્યાન કેન્દ્ર અને શાસ્ત્રીય સંગીતના સૂરો પર આધારિત થીમ પાર્ક છે. અહીં યોગની અનોખી સ્કૂલ બની રહી છે. તળાવના કિનારે ધ્યાન-યોગ કરી શકાશે. સ્ટેશનને તળાવ સાથે સીધું જોડવામાં આવશે. તળાવના બીજા કિનારે વૉચ ટાવર છે. અહીં આર્ટ ગેલેરી બની છે.
એક્સપિરિયન્સ મ્યુઝિયમ – એશિયાના બીજા સૌથી મોટા લાઇવ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કામ 55 ટકા પૂર્ણ થઈ ગયું છે. 24 જાન્યુઆરી સુધીમાં બનીને તૈયાર થઈ જશે. 13,525 ચો.મીટરમાં 326 પીલર પર 21 મીટર ઊંચુ મ્યુઝિયમ હશે. એકસાથે 400 લોકો તેને નિહાળી શકશે. આ મ્યુઝિયમ થીમ આધારિત હશે. એટલે કે પગપાળા ચાલતી વખતે તમને 2700 વર્ષના ઈતિહાસનાં દર્શન થશે. લાઇટ શૉ પણ છે.



