બોગસ પેઢીઓ પર ઝુંબેશ ઉપરાંત ધંધામાં ‘કસ’ ન હોવા-મર્જર જેવા કારણોથી મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કેન્સલ થતાં કરવેરા તંત્ર પણ સ્તબ્ધ
આખા વર્ષમાં જેટલા જીએસટીઆઇએન રદ થયા હતા તેના કરતાં 53.72 ટકા માત્ર એપ્રિલથી જુનના ત્રણ માસમાં જ થયા
ગરવી તાકાત, ગાંધીનગર, તા.5 – વેપાર-ઉદ્યોગ તથા મૂડી રોકાણમાં મોખરાના સ્થાન સાથે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં છેલ્લા ત્રણ જ મહિનામાં 50,298 જીએસટી રજીસ્ટ્રેશન નંબરો રદ થતાં કરવેરા વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. આખા વર્ષમાં જેટલા જીએસટીઆઇએન રદ થયા હતા તેના કરતાં 53.72 ટકા માત્ર એપ્રિલથી જુનના ત્રણ માસમાં જ થયા હતા. બોગસ પેઢીઓ સામે ઝુંબેશ જેવા કારણો પણ આ માટે જવાબદાર ગણાય છે.
રાજ્યમાં એપ્રિલ 2023થી માર્ચ 2024ના ગત નાણાંકીય વર્ષમાં 93613 જીએસટી રજીસ્ટ્રેશન રદ થયા હતા તે પૈકી 29110 વેપાર-ઉદ્યોગકારોએ વ્યવસાય જ સંકેલી લેવા માટે અરજી કરી હતી અને એટલે રદ થયો હતો.
સ્પેટ જીએસટી વિભાગના સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ધંધાનો સંકેલો કરવા ઉપરાંત પેઢીઓ મર્જ થવા, હસ્તાંતરણ જેવા કારણો પણ જવાબદાર છે. ઘણા કિસ્સામાં નવો ધંધો શરૂ કરવાની ગણતરીએ વેપાર ઉદ્યોગકારો નવી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી લેતા હોય છે પરંતુ ધારણા મુજબ ગોઠવણ થતી નથી. જીએસટી રીટર્ન ન ભરતા તગડી પેનલ્ટી ભરવાનો વખત આવે છે.
ધંધા વિના જ નુકશાની રોકવા રજીસ્ટ્રેશન રદ કરાવી નાખતા હોય છે. આ સિવાય છેલ્લા બે-ચાર વર્ષમાં જુદી-જુદી પેઢીઓનું મર્જર મોટા પ્રમાણમાં થયું છે તેને કારણે પણ નંબર પરત સોંપી દેવામાં આવે છે. આ ઉપરાંત ધંધામાં આર્થિક કસ ન હોવાના સંજોગોમાં પણ સંકેલો કરી લેવાય છે. સૂત્રોએ કહ્યું કે, અનેક કૌભાંડીઓએ જીએસટી ચોરી માટે બોગસ પેઢીઓ ખોલી હતી તંત્ર દ્વારા કારસ્તાનો પકડવા સાથે બોગસ પેઢીઓ પર ઘોંસ બોલાવી છે તેને કારણે પણ આવી પેઢીઓના રજીસ્ટ્રેશન સરેન્ડર કરી દેવાય રહ્યા છે.