મહેસાણાના માલ ગોડાઉનમાં રૂ 14.35 લાખના બાકી વેરામાં સિંગાપુર હબની 48 દુકાનો સીલ કરાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા નગરપાલિકા દ્વારા બાકી વેરો ભરનારને પેનલ્ટીમાંથી માફી આપતી વળતર યોજના જાહેર કરાઇ હોવા છતાં ઘણા રીઢા બાકીદારો હજુ પાછલા વર્ષોનો બાકી વેરો ભરવા નહીં ફરકતાં પાલિકાએ સોમવારથી મિલકત સીલ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જેમાં માલ ગોડાઉનમાં આવેલા સિંગાપુર હબની 53 દુકાનો પૈકી 5 દુકાનદારોએ સ્થળ પર રૂ.48,155 બાકી ભરી દેતાં સિલિંગ ટળ્યું હતું. જ્યારે 48 દુકાનોને સીલ મારી દેવાયું હતું.

સિંગાપુર હબના ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં આવેલી 48 દુકાનો પૈકી 29 દુકાનો હજુ વંદન કન્સ્ટ્રક્શન બિલ્ડરના નામે પાલિકાના ચોપડે બોલે છે, જે પૈકી ઘણીખરી વેચાણ થયેલી છે પણ નામ ટ્રાન્સફર પાલિકામાં આવ્યા નથી. જ્યારે 19 દુકાન અલગ અલગ માલિકના નામે છે અને તે નામ ટ્રાન્સફર થયા પછી પણ આ દુકાન માલિકોએ પાલિકાના બાકી વેરાની ભરપાઇ કરી નથી. આ તમામ 48 દુકાનનો છેલ્લા 6 વર્ષનો વેરો બાકી હોઇ ચાર્જ મળી કુલ રૂ.1,43,300 વસુલાત બાકી નીકળતા આ તમામ દુકાનો સીલ કરાઇ હતી.

પાલિકાની વેરા વસુલાત ટીમ સિંગાપુર હબમાં 53 દુકાનોના કુલ રૂ.14,83,455 વેરાની વસુલાત માટે ગઇ હતી. જે પૈકી 5 દુકાનનો રૂ.48,155 વેરો ભરપાઇ થયો હતો, જ્યારે બાકીની 48 દુકાનોના રૂ.14,35,300ની વસુલાત બાકી રહેતાં સીલ કરાઇ હતી. જેમાં ઘણીખરી દુકાનોનો ઉપયોગ પ્લાયવુડ, સેનેટરી વગેરે માલસામાનના ગોડાઉન તરીકે થાય છે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, પાછલા વર્ષોના બાકીદારોમાંથી અત્યાર સુધી રૂ.70 લાખની વસૂલાત થઇ છે. વળતર યોજના અંગે લોકજાગૃતિના પ્રયાસો છતાં અપેક્ષા મુજબ પ્રતિસાદ ન મળતાં હવે સિલિંગ હાથ ધરાયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.