નગરયાત્રાને મહેસાણાના કલેકટર લીલીઝંડી આપીને રથને પ્રસ્થાન કરાવશે
ગરવી તાકાત, ઉંઝા તા.3 – કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમે નીકળશે જેને લઈ સમગ્ર ઉંઝા માં ઉમિયાની ભકિતના રંગે રંગાશે. આગામી તા.5ના શુક્રવારે સવારે 8-15 કલાકે નગરયાત્રાને મહેસાણા કલેકટર લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જેને લઈ આજે નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિદ કમીટીઓને નગરયાત્રાની વ્યવસ્થાની કામગીરી સોંપાઈ હતી. 
ઉંઝા ઉમિયા માતાજીની ભવ્ય નગરયાત્રામાં ધાર્મિક ભાવના ધરાવતા ભકત મંડળ, મહિલા મંડળો, તેમજ સમગ્ર ઉમિયા પરિવારના સંગઠનના ભાઈઓ બહેનો સંસ્થાના કારોબારી સભ્યો દાતાઓ, રાજસ્થાન મધ્યપ્રદેશ, મુંબઈ, જેવા વિવિધ વિસ્તારોમાંથી માં ઉમિયાના ભકતો નગરયાત્રામાં જોડાશે.
આ વર્ષે માં ઉમિયા ભવ્ય સુશોભિત દિવ્યરથમાં બિરાજમાન થઈ માઈ ભકતોને દર્શન આપવા નીકળશે. એપીએમસીના તમામ વેપારીઓ અને માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરી, ડિરેકટર્સ અને તમામ જ્ઞાતિ જાતિના સમાજો વિવિધ સંસ્થાનાં હોદેદારો માં ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે.
સમગ્ર ઉંઝાવાસીઓ પોતાનો કામધંધો બંધ રાખશે. આ અંગે ઉમિયા માતાજી સંસ્થાના મંત્રી દિલીપભાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભકતોનો અને ઉમિયા પરિવારના ભાઈ બહેનોનો ઉત્સાહ અનેકગણો છે. આ નગરયાત્રા 8 કિ.મી.ની રૂટ પર પરિક્રમા કરી નિજ મંદિરે 1-30 કલાકે પરત ફરશે. આ બેઠકમાં ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના સ્વાગત કમિટીના ચરમેન દશરથભાઈ બજરંગ, એસ.કે. પટેલ એન્જિનિયર, પ્રોજેકટ ચેરમેન હરેશભાઈ કાપડીયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


