લાખોની છેતરપિંડીનો ભોગ બનનાર બિલ્ડરને કોઇ ફ્રોડ કોલ કે ફ્રોડ મેસેજ ન આવ્યો હોવા છતાં રુપિયા ગાયબ
સાયબર ફ્રોડોના બેંકમાંથી બારોબાર નાણાંની ઉઠાંતરી માટેના અવનવા કિમીયા કારગત સાબિત થઇ રહ્યા છે 
ગરવી તાકાત, મહેસાણા તા.02 – આધુનિક ટેકનોલોજીનો વધતો જતો વપરાશ ફાયદાકારકની સાથે સાથે નુકશાનકારક પણ સાબિત થઇ રહ્યો છે. રોજબરોજ સાયબર ફ્રોડના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને બેંક એકાઉન્ટ હેક કરીને નાણાંની છેતરપિંડી કરી ટ્રાન્સફર કરવામાં આવતાં હોવાના અનેક ગુનાઓ સાયબર ક્રાઇમમાં નોંધાતાં જોવા મળી રહ્યા છે. જેમાં મહેસાણામાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો બહાર આવતાં ખાતાધારાકોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. બેંક ધારકના ખાતામાંથી માત્ર એક જ દિવસમાં તબક્કાવાર 37 લાખ રુપિયા બીજા બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના ગુનો બનતાં ચકચાર મચી જવા પામી છે.
મહેસાણાના ઉર્વી કન્સ્ટ્રકશન કંપનીના બિલ્ડર દુષ્યંતભાઈ પટેલના આઇસીઆઇસીઆઇ બેંક એકાઉન્ટમાંથી કોઇપણ ઓટીપી, કે કોઇ ફ્રોડ કોલ કે કોઇ ફ્રોડ લીંક ન આવી હોવા છતાં તેંમના ખાતામાંથી તબક્કાવાર 37 લાખ રુપિયા બારોબાર અન્ય બે એકાઉન્ટમાં જમા થતાં પટેલ દુષ્યંતભાઇના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.
આ સમગ્ર મામલે બેંક દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ બિલ્ડરના ખાતામાંથી કુલ 37 લાખ રૂપિયા અન્ય બે ખાતાંમાં ટ્રાન્સફર કરાયા છે. એમાં 10 લાખ રૂપિયા ICICI બેંકના ખાતા નંબર- 161205501051માં અને 092805001870 ખાતા નંબરમાં 27 લાખ રૂપિયા બિલ્ડરની જાણ બહાર અજાણ્યા શખસોએ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. આ મામલે બિલ્ડરે મહેસાણા સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
મહત્વની બાબત છે કે, બેંક એકાઉન્ટની માહિતી મેળવવા તેમજ બેંકની વિગત જાણવા અવાર નવાર ફ્રોડ કોલ આવતાં હોય છે જેમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનતાં હોય છે. પરંતુ મહેસાણાના બિલ્ડરના બેંક એકાઉન્ટમાંથી બારોબાર 37 લાખ ઉપડી જવાના કિસ્સામાં બિલ્ડરને ના તો કોઇ ફ્રોડ કોલ કે ના કોઇ મેસેજ આવ્યાં હોવા છતાં લાખોની છેતરપિંડી થવા પાછળ સાયબર ફ્રોડોએ કઇ પ્રકારના કિમીયો અજમાવી આ છેતરપિંડી કરી છે જેને લઇને બેંકના કર્મચારીઓ પણ વિમાસણામાં મુકાઇ ગયા છે.


