2022-23ના વર્ષમાં ગુજરાતને કેન્દ્રીય વેરામાંથી હિસ્સા પેટે મળેલા 31,851 કરોડ કરતાં 3674 કરોડ વધુ હશે
ભારત સરકાર ગુજરાતને ગત વર્ષ કરતા 3674 કરોડ વધુ આપશે
ગરવી તાકાત, ગાંધીનગર, તા.21 – 23 ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજુ કરશે. ગત વર્ષે રાજય સરકારના વાર્ષિક બજેટનું કુલ કદ રૂા.2,43,956 કરોડનું હતું. જયારે આ વખતે રાજય સરકારના વર્ષ 2023-24ના બજેટનું કુલ કદ સંભવત: રૂા.2.74 કે 2.75 લાખ કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે. 
નાણામંત્રી ગુજરાત સરકારનું જે વાર્ષિક બજેટ રજુ કરશે તેમાં ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી વસુલાતા વિવિધ વેરામાંથી રાજયને હિસ્સાની પેટે રૂા.35525 કરોડનો પણ સમાવેશ કરાશે. જે વર્ષ 2022-23ના વર્ષમાં ગુજરાતને કેન્દ્રીય વેરામાંથી હિસ્સા પેટે મળેલા રૂા.31,851 કરોડ કરતાં 3674 કરોડ વધુ હશે. સામાન્ય રીતે રાજય સરકાર દ્વારા જયારે બજેટ તૈયાર રજૂ કરાય છે ત્યારે તે બજેટ મુજબની આવક સરકાર કયાંથી મેળવશે? તે અત્યંત મહત્વનું પાસું હોવાથી ભારત સરકારપાસેથી તેના વેરામાંથી ગુજરાતને મળવાપાત્ર આ રકમ, ગુજરાતના આગામી બજેટમાં મહત્વનો ભાગ સાબીત થશે.
વર્ષ 2023-24ના વર્ષમાં ભારત સરકાર તેના વેરા પેટે દેશના વિવિધ રાજયોમાંથી જે રકમ વસુલ કરશે, તેમાંથી દરેક રાજયોને કેન્દ્રીય નાણાપંચ દ્વારા નકકી કરાયેલા ધોરણો મુજબ, જે તે રાજયોમાંથી વસુલાયેલા વિવિધ વેરાની રકમમાંથી હિસ્સો આપે છે. આ ધોરણો મુજબ ગુજરાતનો શેર 3478 ટકા જેટલો નકકી કરાયેલો છે. તે મુજબ, ભારત સરકાર ગુજરાતમાંથી જે વેરા વસુલે છે, તેમાંથી આ શેરની નિયત ટકાવારી પ્રમાણે ગુજરાતને તે વેરાની રકમમાંથી હિસ્સો ફાળવે છે.
ગુજરાતને ગત 2021-22ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી વસુલાયેલા વિવિધ કેન્દ્રીય વેરામાંથી કુલ રૂા.29671 કરોડનો હિસ્સો મળ્યો હતો જે વર્ષ 2022-23માં રૂા.31851 જેટલો થયો હતો, અર્થાત ગુજરાતને વર્ષ 2021-22માં આ હિસ્સા પેટે જે રકમ મળી હતી તેના કરતાં 2180 કરોડ રૂા. વધુ મળ્યાં હતાં.


